સુરતમાં ગતરોજ મેટ્રો પ્રોજેક્ટના જે બ્રિજની કામગીરી ચાલી રહી છે તેના સ્પાનમાં ખામી સર્જાઇ હતી અને તેના કારણે તેના બે ભાગ થઈ ગયા હતા. જેથી ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો અને એ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ટ્રાફિકનું ડાયવર્ઝન ત્રણ રસ્તા ઉપર આપવામાં આવ્યું હતું. જેના કારણે આ ત્રણેય રસ્તાઓ પર અત્યારે ચારથી પાંચ કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ સર્જાઈ ગયો છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ.ના જનરલ મેનેજર (સિવિલ) યોગેન્દ્રસિંહ ચૌહાણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સ્પાન ઊંચકાઈ જવાનું કારણ આપતા જણાવ્યું કે, ઘણાં કારણો હોઇ શકે છે અને વધુ સ્ટ્રેસિંગ પણ થઈ ગયું હોઇ શકે તેમજ એલાઇન્મેન્ટને કારણે પણ એડિશનલ સ્ટ્રેસ જનરેટ થઈ શકે છે.
આ બ્રિજને હવે એક્સપર્ટ્સ અને ડિઝાઈનરો અભ્યાસ કરશે અને ક્ષતિગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવશે. વધુમાં વધુ બે દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે છે, જેથી ટ્રાફિકમાંથી પણ રાહત મળશે. અમે આગોતરાં પગલાં લઈ રહ્યા છીએ અને તેની પાછળનાં કારણો શોધવામાં આવશે. ત્યાર બાદ અમે કંપની સામે કોઈ કાર્યવાહી કરીશું.
મંગળવારે બપોરે મેટ્રો લાઇન-2ના મજૂરા-સરોલી CS-6 પેકેજ હેઠળ બની રહેલા 8.2 કિમી રૂટના સરોલી-ભરત કેન્સર હોસ્પિટલ પાસેના થાંભલાઓ પર બની રહેલા સ્પાનનો એક ભાગ વાંકો થઈ ઊંચકાઈ જતાં તંત્રની દોડધામ શરૂ થઈ ગઈ હતી. તકેદારીના ભાગરૂપે સારોલી-કડોદરા રોડ તાત્કાલિક બંધ કરી દેવાયો હતો. મેટ્રોના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.