Gujarat

માત્ર દોઢ વીઘા જમીનમાં શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી શરૂ કરી

આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે. જોકે ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં મહિલાઓ પોતાના ભાઈ, પિતા કે પતિને મદદરૂપ બનતી હોય છે. પણ જાતે ખેતી અને તેમાં પણ પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓ આંગળીના વેઢે ગણાય એટલી હશે. ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામનાં અંજુબેન નરેશભાઇ ચૌધરી આવી જ એક આદિવાસી મહિલા ખેડૂત છે.

જે છેલ્લાં ચાર વર્ષથી ગાયના છાણના ખાતર આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારું ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યાં છે. તેમણે આ વર્ષે 1.50 વીઘા જમીનમાં નજીવા ખર્ચે શાકભાજી ટીંડોરાનું વાવેતર કરી મહિને રૂ.30 હજારની આવક રળી રહ્યાં છે. વાંકલા ગામના ટેકરી ફળિયામાં રહેતાં આદિવાસી મહિલા ખેડૂત અંજુબેન નરેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, “પહેલાં અમે પરંપરાગત ખેતી કરતાં હતાં, પણ જ્યારથી મેં ખેતીમાં રસ લેવાનું શરૂ કર્યું, ત્યારથી પ્રાકૃતિક ખેતીમાં આકર્ષણ વધ્યું. પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા સમજી અને અભ્યાસ કર્યો, ત્યારબાદ વેલાવાળા શાકભાજીનું વાવેતર કર્યું.

જેમાં સારું ઉત્પાદન મળ્યું. પ્રાકૃતિક ખેતીના કારણે પાકમાં કોઈ રોગ આવ્યો નહોતો. જેથી ઉત્સાહ પણ વધ્યો. બીજા વર્ષે પણ વેલાવાળા શાકભાજી ઉગાડ્યાં. હાલમાં 1.50 વીઘા જમીનમાં નજીવા ખર્ચે ટીંડોરા, રીંગણના પાકનું વાવેતર કર્યું છે. જેનાથી વાર્ષિક રૂ.3.60 લાખની આવક પ્રાપ્ત થઇ રહી છે. જેનાથી ઘર-પરિવારનું ગુજરાન સરળતાથી કરી રહી છું. આવકનો એક ભાગ મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીને વધુ કાર્યક્ષમ બનાવવા પર પણ કરું છું.