ગીરગઢડાના હરમડિયા-ઘાટવડ રોડ ઉપર આજે કોડીનાર, એભલવડ, જુનાગઢ રૂટની એસ ટી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા ટ્રક ડ્રાઈવર તથા બસમાં બેઠેલા અન્ય પેસેન્જરોને નાની મોટી ઈજા થતાં ઇમરજન્સી 108માં ગીરગઢડા સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.
કોડીનાર એભલવડ જુનાગઢ રૂટની બસ હરમડિયા થી ઘાટવડ તરફ જતી હતી. ત્યારે હરમડિયા મુક્તિધામની બાજુમાં ઘાટવડ થી આવતો ટ્રક જે ગોડાઉનનો અનાજ ભરેલ હતો. અચાનક ટ્રક અને એસ ટી બસ વચ્ચે ધડાકાભેર અથડાતા એસટી બસમાં બેઠેલા પેસેન્જરોમાં ચિચિયારો ગૂંજી ઉઠ્યો હતો. આ અકસ્માત થતાં બાજુમાં દુકાન ધરાવતા ગંભીરસિંહ દોલુભાઈ ખસિયા તેમજ આજુબાજુના અને વાહન ચાલકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયેલ.

એસ.ટી બસના પેસેન્જર ઈજા થતાં તાત્કાલિકસેવાભાવિ લોકોએ ઇમરજન્સી 108ને જાણ કરતા તાત્કાલિક આવી ગયેલ અને ટ્રક ડ્રાઇવર પોતાના ટ્રકની કેબિનમાં દબાઈ જતા ગામ લોકોએ કાચ તોડી ડ્રાઇવરને બહાર કાઢી તમામ પેસેન્જરો અને ટ્રક ડ્રાઇવરને એમ્બ્યુલન્સ દ્વારા ગીરગઢડા સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.
આમ હરમડિયા-ઘાટવડ રોડની બંને સાઈડ ઝાડ ઉગી નિકળ્યા હોવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોય અને જો રોડની બંને સાઈડ વૃક્ષોને દૂર કરવામાં આવે તો અક્સ્માત થતો અટકાવી શકાય છે. એસ.ટી બસમાં મુસાફરી કરી રહેલા પુંજાભાઈ દુદાભાઈ ખસિયા, કાળુભાઈ દુદાભાઈ ખસિયા, પ્રભાતગિરી બાપુ સહિત લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે ગીરગઢડા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. આમ એસ.ટી બસ અને ટ્રક વાહન વચ્ચે અકસ્માતમાં બંને વાહનોના આગળની કેબીનનો ભાગ બુકડો બોલી ગયો હતો. જોકે આ અકસ્માતની ઘટનામાં તમામ પેસેન્જરોનો સદનસીબે આબાદ બચાવ થયેલ હતો.

