Gujarat

શ્રીમદ્ ભગવદ ગીતાના આઠમા અધ્યાયમાં ભગવાન કહે છે કે “પરમ અક્ષર બ્રહ્મ છે

પરા પ્રકૃતિ (જીવ)ને અધ્યાત્મ કહેવાય છે,તમામ ચરાચર પ્રાણીઓની સત્તાને પ્રગટ કરવાવાળો ત્યાગ કર્મ કહેવાય છે. ઉત્પત્તિ વિનાશશીલ તમામ પદાર્થ અધિભૂત છે.પુરૂષ એટલે કે હિરણ્યગર્ભ બ્રહ્મા અધિદેવ છે અને આ શરીરમાં અંતર્યામી રૂપે હું વાસુદેવ જ અધિયજ્ઞ છું.”

 આત્માને લઇને જે વર્ણન કરવામાં આવે છે તે પણ અધ્યાત્મ છે.અધ્યાત્મ-માર્ગનું જેમાં વર્ણન છે તે માર્ગ પણ અધ્યાત્મ છે અને આ આત્માની જે વિદ્યા છે તેનું નામ પણ અધ્યાત્મ છે. જે વિદ્યાથી મનુષ્યનું કલ્યાણ થઇ જાય છે તે અધ્યાત્મ વિદ્યા કહેવાય છે પરંતુ અહીં સ્વભાવ વિશેષણની સાથે અધ્યાત્મ શબ્દ આત્માનું એટલે કે જીવના સ્વરૂપના હોવાપણાનું વાચક છે.બીજી સાંસારીક ગમે તેટલી વિદ્યાઓ શિખી લેવા છતાં પણ જાણવાનું બાકી રહે છે પરંતુ આ અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત થતાં જાણવાનું બાકી રહેતું નથી એટલા માટે ભગવાને એને પોતાની વિભૂતિ તરીકે બતાવી છે.(ગીતાઃ૧૦/૩૨)

પરા પ્રકૃતિ ભગવાનનો સ્વભાવ છે.પ્રકૃતિ કહો કે સ્વભાવ કહો એક જ વાત છે.આ પરા પ્રકૃતિ એટલે કે જીવ જ અધ્યાત્મ નામથી કહેવાય છે.જેને ભગવાને પોતાનો અંશ પણ બતાવતાં કહ્યું છે કે “આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ સનાતન અંશ છે અને તે પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે એટલે કે પોતાની માને છે.” (ગીતાઃ૧૫/૭)

 ભગવાન કહે છે કે જરા અને મરણમાંથી છુટવા માટે જેઓ મારે શરણે થઇને પ્રયત્ન કરે છે એ માણસો તે બ્રહ્મને-સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે.(ગીતાઃ૭/૨૯) તેઓ સંપૂર્ણ અધ્યાત્મને જાણી જાય છે એટલે કે સંપૂર્ણ જીવ તત્વરૂપે શું છે? એ વાતને તેઓ જાણી લે છે. જીવ દ્વારા એક શરીર છોડીને બીજા શરીરને પ્રાપ્ત કરવાને વિમૂઢ પુરૂષો જાણતા નથી અને જ્ઞાનચક્ષુવાળા જાણે છે, એને જાણવાનું તાત્પર્ય એ નથી કે જીવ કેટલા છે, તેઓ શું શું કરે છે? અને તેમની શું ગતિ થઇ રહી છે..એને જાણી જાય છે પરંતુ આત્મા શરીરથી અલગ છે..એને તત્વથી જાણી જાય છે એટલે કે અનુભવ કરી લે છે.

 ભગવાનના આશ્રયથી સાધકનો જ્યારે ક્રિયાઓ અને પદાર્થોથી સબંધ વિચ્છેદ થઇ જાય છે ત્યારે તે અધ્યાત્મ તત્વને,પોતાના સ્વરૂપને જાણી લે છે.ફક્ત પોતાના સ્વરૂપને જ નહી પરંતુ ત્રણે લોક અને ચૌદ ભુવનોમાં જેટલા પણ સ્થાવર-જંગમ પ્રાણીઓ છે તે બધાનું સ્વરૂપ શુદ્ધ અને નિર્મળ છે અને પ્રકૃતિથી અસંબદ્ધ છે.અનંત જન્મો સુધી અનંત ક્રિયાઓ અને શરીરોની સાથે એકતા કરવા છતાં પણ તેમની ક્યારેય એકતા થઇ જ શકતી નથી અને અનંત જન્મો સુધી પોતાના સ્વરૂપનો બોધ ન થવા છતાં પણ તેઓ પોતાના સ્વરૂપથી ક્યારેય અલગ થઇ શકતો નથી-એમ જાણવું તેને સંપૂર્ણ અધ્યાત્મ તત્વને જાણવું કહે છે.

 અધ્યાત્મ વિદ્યા અને રાજવિદ્યા-આ બંન્નેમાં અંતર છે.અધ્યાત્મ વિદ્યામાં નિર્ગુણ નિરાકાર સ્વરૂપની પ્રધાનતા હોય છે અને રાજવિદ્યામાં સગુણ સ્વરૂપની પ્રધાનતા હોય છે.સંસારનો અભાવ કરીને નિર્ગુણ નિરાકાર પરમાત્માને જાણવા એ અધ્યાત્મ વિદ્યા છે.તમામ સ્થળ કાળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ઘટના વગેરેમાં વ્યાપકરૂપથી નિત્ય નિરંતર રહેવાવાળા સગુણ પરમાત્માને જાણવા એ રાજવિદ્યા છે. લૌકિક વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે.આને જ ગીતાના અધ્યાયોની પુષ્પિકામાં બ્રહ્મવિદ્યા કહેવામાં આવી છે.

 અધ્યાત્મ વિદ્યા એટલે કે આત્મજ્ઞાનને પોતાની વિભૂતિ કહેવાનું કારણ એ છે કે આ સૌથી સરળ છે, સૌથી સુગમ છે અને સૌના પ્રત્યક્ષ અનુભવની વાત છે.આને કરવામાં-સમજવામાં અને પ્રાપ્ત કરવામાં કોઇ મુશ્કેલી છે જ નહી. આમાં કરવું-સમજવું અને પ્રાપ્ત કરવું લાગુ પડતું નથી કારણ કે આ નિત્ય પ્રાપ્ત છે અને જાગ્રત-સ્વપ્ન અને સુષુપ્તિ વગેરે બધી જ અવસ્થાઓમાં હંમેશાં જેમનું તેમ વિદ્યમાન છે. આત્મજ્ઞાન પ્રત્યક્ષ છે એટલો પ્રત્યક્ષ આ સંસાર પણ નથી.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી