Gujarat

વિસાવદર નગરપાલિકાએ કરવેરામાં વધારો જાહેર કરતાં શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર

વિસાવદર નગરપાલિકાએ કરવેરામાં વધારો જાહેર કરતાં શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર

તા. ૧-૮-૨૦૨૪ ના રોજ વિસાવદર શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવેલ.
ચાલુ વર્ષમાં નગરપાલિકા વિસાવદર મારફત નવા કરવેરાના અમલવારી બાબતે પ્રસિદ્ધ કરેલ ભાવ પત્રકના અનુસંધાને વિસાવદર કોંગ્રેસ સમિતિએ લોકહિતને ધ્યાનમાં રાખી વધારો કરેલ કરવેરા બાબતે ઘટતું કરી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરેલ.
શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નીચેના મુદ્દા ઉપર લક્ષ આપી આવેદન પત્રના માધ્યમથી યોગ્ય કરવા વિનંતી કરેલ. જેમ કે (૧) વિસાવદર શહેરમાં સામાન્ય ધંધા તેમજ ઉદ્યોગો ન હોવાને કારણે સામાન્ય લોકોના જન વ્યવહારમાં બાધારૂપ બનેલ તોતિંગ કરવેરા વધારો પરત ખેંચવો. (૨) સફાઈવેરા બાબતે સફાઈ કામદારોના અભાવે શહેરમાં સફાઈ થતી નથી તેમજ કુદરતી સ્તોત્ર દ્વારા સતાધાર ડેમનું પાણી વર્ષોથી લોકોને મળે છે તેમાં પણ કરાયેલ વધારાનો વેરો યોગ્ય ન ગણાય. (૩) શહેરની સ્ટ્રીટ લાઇટો જોઈતા પ્રમાણમાં અપૂર્તિ છે. રાબેતા મુજબના કરવેરામાં વધારો કરવો યોગ્ય ન કહેવાય.(૪) સરકારશ્રીની ભૂગર્ભ ગટર યોજનાને કારણે વ્યક્તિ તથા સમયનો બચાવ થયો. ત્યારે ભૂગર્ભ ગટર વેરો વધારવો એ કેટલા અંશે યોગ્ય ગણાય ?
ઉપરોક્ત બાબતે નગરપાલિકાના અધિકારીઓ શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ અલગ અલગ સંસ્થાના હોદ્દેદારો સાથે ચર્ચાઓ કરી યોગ્ય નિર્ણય લેવા ઘટતું કરવું અન્યથા ઉપરોક્ત મુદ્દાઓ બાબતે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા લક્ષ્ય આપવામાં નહીં આવે તો વિસાવદર શહેર બંધ પાડી રોષ વ્યક્ત કરશે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ જસ્મિનભાઈ જાનીની અખબાર યાદી જણાવે છે. આવેદનપત્ર વેળાએ શહેર કોંગ્રેસ પ્રમુખ જસ્મિનભાઈ જાની, ન.પા.ના પૂર્વ પ્રમુખશ્રીઓ મનિષભાઇ રીબડીયા, તથા રજનિકભાઇ ડોબરીયા, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, કોર્પોરેટર કરમશીભાઇ રીબડીયા તથા જયદિપસિંહ દાહિમા ઉપસ્થિત રહેલ.

સી. વી. જોશી વિસાવદર

IMG-20240801-WA0003.jpg