Gujarat

72 વર્ષ પછી વિશિષ્ટ યોગ સોમવારે પ્રારંભ, સોમવારે પૂર્ણ; સમગ્ર જિલ્લામાં ઉજવણી માટેની વ્યાપક તૈયારીઓને આખરી ઓપ

દેવાધી દેવ મહાદેવના પર્વ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ આગામી સોમવાર તારીખ 5 ઓગસ્ટથી થશે. ભારતના હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ માસએ શિવનો માસ તેમજ અતિ પવિત્ર માનવામાં આવે છે. શિવ આરાધના માટે ઉત્તમ મનાતા આ શ્રાવણ માસની શરૂઆત અને પૂર્ણાહુતિ બંને સોમવારે જ થનાર છે. ત્યારે 72 વર્ષ પછી આ યોગ આવ્યો છે. જેને અનુલક્ષીને ખંભાળિયા સહિતના શિવ ભક્તોમાં ઉજવણીના માહોલ વચ્ચે આનંદની લહેર જોવા મળી રહી છે.

1952 પછી પહેલીવાર આ યોગ આવ્યો છે. જેમાં 5 ઓગસ્ટને સોમવારથી શ્રાવણ માસ શરૂ થશે અને 3 સપ્ટેમ્બરના રોજ 30 દિવસ પછી સોમવારે જ પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થશે. સામાન્ય રીતે દરેક માસમાં 4 સોમવાર હોય પણ આ વખતે પાંચ સોમવાર છે. શિવજીનો અતિપ્રિય વાર સોમવાર કે જે ચંદ્રનો વાર ગણાય છે તથા 12 જ્યોતિર્લિંગમાં પહેલું પણ સોમનાથ છે.

આ વખતના શ્રાવણ માસમાં અતિ મહત્વના ત્રણ યોગ અમૃત સિદ્ધ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ તથા પ્રીતિયોગનો ત્રિવેણી સંગમ પણ છે. શ્રાવણ માસને સિદ્ધ માસ પણ કહે છે. શિવભક્તો દ્વારા એક લોટો જળ ચડાવીને પ્રસન્ન થતા ભોળાનાથને રિઝવવા માટે લોકો દ્વારા વિશિષ્ટ યજ્ઞ, ઘીની મહાપૂજા, શિવપુરાણ, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ મહામંત્ર, મહામૃત્યુંજય જાપ, શિવ તાંડવ સ્ત્રોતથી પૂજા તેમજ વાંચન કરવામાં આવે છે.

આ વખતે શ્રાવણ માસમાં જ ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ થનાર છે. ત્યારે છેક 72 વર્ષ પછી સોમવારે શરૂ થઈને સોમવારે પૂર્ણ થનાર શ્રાવણ માસને આવકારવા શિવ ભક્તો પણ તત્પર બન્યા છે.