Gujarat

ખુરસી ખેંચી કહ્યું- ‘તમે આને લાયક નથી’, મહિલાએ એટ્રોસિટીની ફરિયાદ કરતાં મેવાણીએ કહ્યું- ‘આ ગાંધીનગરના ઈશારે થાય છે’

જિલ્લા મથક ભુજ શહેર ખાતેના ઉમેદ ભવનમાં આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ યોજાઈ હતી. અનુસૂચિત જાતિના ખેડૂતોને સરકારી જમીનના હક્ક મળવા અંગેની રજૂઆત અંતર્ગત તેઓ મીડિયા સાથે સંવાદ કરવા હાજર રહ્યા હતા. દરમિયાન વિપક્ષી ધારાસભ્યના કાર્યક્રમમાં ફરજના ભાગરૂપે હાજર આઈબીના મહિલા કર્મી કોંગ્રેસ અગ્રણીના અકલ્પનિય ચેષ્ટાનો ભોગ બન્યા હતા.

મહિલા કર્મી સામે બેઠેલા ધારાસભ્ય મેવાણીનો ફોટો પાડવા ખુરશી પરથી ઉભા થયા હતા અને પરત ખુરશી પર બેસે તે પહેલાં પાછળથી એચ એસ આહીર નામના કોંગી નેતાએ ખુરશી ખેંચી લીધી હતી. જેથી મહિલા જમીન પર પડી ગયા હતા. તેમજ તમે આ ખુરશીના લાયક નથી તેમ પણ કહ્યું હોવાના આક્ષેપ કરાયા છે.

કોંગી અગ્રણીની આવી હરકતથી ડઘાઈ ગયેલા કર્મી ખૂબ રોષે ભરાયા હતા. દરમિયાન મામલાની નોંધ રાજ્યના ગૃહમંત્રીએ પણ લીધી હતી અને બનાવનો વીડિયો એક્સ પર પોસ્ટ કરી કોંગ્રેસને દલિત વિરોધી ગણાવી હતી. તો આ બાબતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ પ્રતિક્રિયામાં કહ્યું કે, આ ગાંધીનગરના ઈશારે FIR થઈ છે.