Gujarat

શ્રાવણના પ્રથમ સોમવારે ખંભાળિયા સહિત જિલ્લાના શિવ મંદિરોમાં ગુંજ્યો હર હર મહાદેવનો ગગનભેદી નાદ

72 વર્ષ પછીના શુભ સમન્વય એવા પાંચ સોમવાર સાથેના આજથી શરૂ થતા શ્રાવણ માસમાં પ્રથમ તેમજ અંતિમ દિવસે સોમવારના આજે પ્રથમ દિવસે સોમવતી એકમના ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી અને ઠેર ઠેર અનેકવિધ ધર્મમય આયોજનો કરવામાં આવ્યા હતા.

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આજે સોમવારે હોવાથી વહેલી સવારથી જ ખંભાળિયા તથા આસપાસના અનેક પ્રાચીન તેમજ અર્વાચીન શિવ મંદિરોમાં પૂજન-અર્ચન તેમજ સેવા-પૂજા માટે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા.

અહીંના પુરાણ પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવ, શ્રી રામનાથ મહાદેવ, શ્રી જડેશ્વર મહાદેવ, શ્રી પાળેશ્વર મહાદેવ, શ્રી શરણેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, જલારામ મંદિર પરિસરમાં આવેલા શ્રી રામેશ્વર મહાદેવ, ભુવનેશ્વર મહાદેવ, વિગેરે શહેરી વિસ્તારના મંદિરોમાં શિવભક્તોએ બિલ્વપત્ર, જળ, પુષ્પ, દૂધ વિગેરેથી ભગવાન શિવની આરાધના કરી હતી.

આ ઉપરાંત ખંભાળિયા નજીકના શક્તિનગર વિસ્તારમાં આવેલા શીરેશ્વર મહાદેવ, રામનગરમાં બાલનાથ મહાદેવ, દાત્રાણા ગામે આવેલા ધિંગેશ્વર મહાદેવ, કોટા ગામે આવેલા કોટેશ્વર મહાદેવ, ભાતેલ ગામે ભોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, બજાણામાં કાશી વિશ્વનાથ મહાદેવ, ભાણવડ પંથકમાં ઇન્દ્રેશ્વર મહાદેવ, બરડા ડુંગરમાં બિલેશ્વર મહાદેવ, કિલેશ્વર મહાદેવ, ઘુમલી સ્થિત ભીમનાથ મહાદેવ, વિગેરે શિવ મંદિરમાં પણ શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકરોમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા.

ખંભાળિયાના મહાદેવ વાડામાં આવેલા પ્રાચીન શિવ મંદિરોમાં પણ માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ વહેલી સવારથી જ જોવા મળી હતી. ખંભાળિયાના સુવિખ્યાત ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ તથા પાળેશ્વર મહાદેવ મંદિરમાં ઢોલ, નગારા ,નોબત સાથે થતી ચાર ગ્રહણની આરતીનું વિશેષ મહાત્મય છે.

જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડે છે. ખંભાળિયાના પાદરમાં આવેલા વિશ્વવિખ્યાત ખામનાથ મહાદેવના મંદિરે હતી આરતી યુ-ટ્યુબ પર લાઈવ નિહાળી શકાશે. તમામ શિવ મંદિરોમાં પૂજન-અર્ચન, મહા આરતી, દીપમાળાના દર્શન સાથે થાળ, રુદ્રી સહિતના આયોજનો પણ શિવ ભક્તો દ્વારા કરવામાં આવ્યા છે.