Gujarat

ચાણોદથી નર્મદાજળ લઇ ડભોઇના કાવડ યાત્રીઓનો શિવાલયોમાં જળાભિષેક

સમગ્ર ગુજરાત ભરમાં આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. તેવામાં અનેક ભક્તો દ્વારા ગુજરાતના અનેક જિલ્લા તેમજ તાલુકામાં કાવડયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના ડભોઇ ખાતે આવેલ હરિહર આશ્રમ ખાતેથી શ્રાવણના પહેલા સોમવારે ગઈકાલે રાત્રે ડભોઈ દર્ભાવતી કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાવડ યાત્રા યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીના જળભરી ડભોઇ પરત થઈ હતી. જ્યાં શિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા અને કરનાળીના ટ્રસ્ટી નંદગીરી મહારાજ દ્વારા કાવડયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

એટલું જ નહીં કાવડયાત્રાના દર્શન કરી કાવડયાત્રા ડભોઇ શહેરના વાઘનાથ મંદિર,કુબેરેશ્વર મંદિર,પંચેશ્વર મહાદેવ ખાતે આવેલ મંદિરમાં જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુબેર ભંડારીના મુખ્ય ટ્રસ્ટી દિનેશગીરી મહારાજ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ ડભોઇ નગરના પ્રમુખ સંદીપ શાહ, નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, ચેરમેન તેજલબેન સોની, ટાઉનના ચેરમેન એમ એચ પટેલ, વિશાલભાઈ શાહ દક્ષાબેન પરેશભાઈ રબારી મોટી સંખ્યામાં શિવ ભક્તો તેમજ ડભોઇના રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે આ કાવડ યાત્રા આસગોલ ગામના સરપંચ જનકભાઈ બારીયા અને દમોલી ગામના આગેવાન સાંતિલાલ રબારીના સુચારુ સાથ સહકારથી સંપન્ન કરવામાં આવી હતી. સાથે કાવડયાત્રાના પ્રણેતા વિજયજી મહારાજ દ્વારા સમગ્ર સૃષ્ટિ અને દેશના લીધે પ્રાર્થના કરવામાં આવી હતી.