Gujarat

LCBને જોઇ બુટલેગરે પોતાની કાર ભગાવી, પોલીસે 27 કિ.મી. પીછો કરી એકને ઝડપ્યો, એક ભાગવામાં સફળ

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં દારૂ ભરેલી કારનો LCBની ટીમે પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. LCB પોલીસે 27 કિલોમીટર જેટલો પીછો કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી લીધો છે, જ્યારે એક બુટલેગર છલાંગ લગાવી ભાગી છુટવામાં સફળ થયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ જામનગરની LCB પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, જોડિયા તાલુકાના તારાણાં ગામ પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થવાની છે. જે બાતમીના આધારે LCBએ વોચ ગોઠવી હતી.

આ દરમિયાન તારાણા ગામના ટોલનાકા પાસે એક કાર યૂ ટર્ન લઈને ભાગવા લાગી હતી. જેથી LCBએ તે કારનો 27 કિલોમીટર પીછો કર્યા પછી ધ્રોલ નજીકના માણેકપર ગામના પાટીયા પાસેથી ઝડપી હતી.

ધ્રોલ નજીકના માણેકપર ગામના પાટીયા પાસે બુટલેગરની કાર રોડ પરથી ઉતરી જતાં દારૂનો ધંધાર્થી કારમાંથી છલાંગ લગાવીને ભાગવામાં સફળ થયો હતો, જયારે કારનો ચાલક ઝડપાઈ ગયો હતો. જેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ પાબુરામ પ્રતાપસિંહ બિશ્નોય અને મૂળ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે કારની તલાસી લેતાં અંદરથી નાની મોટી 357 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે ઇંગલિશ દારૂ, મોબાઈલ ફોન, અને કાર સહિત કુલ રૂપિયા 6,49,600નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.