Sports

વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ડિસક્વાલિફાય

૧૦૦ ગ્રામ વજનના લીધે ભારતને ગોલ્ડ ના મળ્યું!

ભારતીય રેસ્લર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ૧૪૦ કરોડ દેશવાસીઓની આશાનું પ્રતિક હતી. જાેકે, એક જ રાતમાં આ ‘દંગલ ગર્લ’ સાથે રમાઈ ગઈ રમત! ઓલિમ્પિક ૨૦૨૪થી ભારત માટે આવ્યા ખરાબ સમાચાર. મહિલા કુશ્તી ૫૦ કિગ્રા સ્પર્ધાની ફાઇનલમાં પહોંચેલી વિનેશ ફોગાટ મેડલની રેસમાંથી બહાર કરી દેવામાં આવી છે.

મેચ રમ્યા પહેલાં ફોગાટને ડિસક્વાલિફાય કરી દેવામાં આવી. ઓવરવેઈટ એટલેકે, વધુ પડતા વજનને કારણે કમિટીએ વિનેશને ઠેરવી છે ગેરલાયક. આ અગાઉ તેણે ક્વાર્ટર ફાઈનલ પહેલા તેણે વિશ્વ ચેમ્પિયન જાપાનની સુસાકીને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ પછી, તેણે જીતની હેટ્રિક ફટકારીને ઇતિહાસ રચ્યો અને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. પરંતુ હવે તેને ૭ ઓગસ્ટની સવારે મોટો આંચકો લાગ્યો છે.

ઓવરવેઈટને કારણે તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવાઈ હોવાના આઘાતજનક સમાચાર સામે આવ્યાં. માત્ર ૧૦૦ ગ્રામ વધારે વજન હોવાને કારણે રેસલર વિનેશ ફોગાટ ઓલિમ્પિક મેડલની રેસમાંથી બહાર ફેંકાઈ હોવાનું સામે આવ્યું છે. આ વાત માન્યામાં આવે એવી નથી, કે રાતોરાત કઈ રીતે વધી ગયું વજન. પરંતુ કમિટીએ પોતાનો આદેશ સંભળાવી દીધો છે. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આ આઘાતજનક સમાચારોની પુષ્ટિ કરવામાં આવી છે ભારતીય ઓલિમ્પિક સંઘે વિનેશ ફોગાટને લઈને આ વાતની પુષ્ટિ કરી છે.

એસોસિએશન દ્વારા એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું, ‘તે ખેદજનક છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી ૫૦ કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવાના સમાચાર શેર કરી રહી છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન ૫૦ કિલો કરતાં થોડા ગ્રામ વધુ હોવાનું જણાયું હતું. ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. વિનેશ ફોગાટની મેડલ મેચ ૧૨ કલાક બાદ યોજાવાની હતી.

મંગળવારે તેની જીતની હેટ્રિક બાદ મેડલ નિશ્ચિત જણાતો હતો. પરંતુ ફાઈનલ મેચના ૧૨ કલાક પહેલા ભારત માટે આ ખરાબ સમાચાર સાંભળવા મળ્યા છે. વિનેશ ફોગાટને સમગ્ર ભારતમાંથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

પરંતુ સોનાની આશા ફરી એકવાર ઠગારી નીવડી છે. બુધવારે રાત્રે ૧૨.૫૦ વાગ્યે વિનેશ ફોગાટની ફાઇનલ મેચ સારા હિલ્ડેબ્રાન્ડ સામે થવાની હતી. તેણીએ પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અલ્જેરિયાના ઇબ્તિસેમ ડોડોઉને હરાવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સારાએ ચીનની ફેંગ ઝીકીને ૭-૪થી હરાવ્યું હતું. હવે ફાઇનલમાં સારાએ વિનેશ સાથે લડ્યા વિના જીત તરફ આગળ વધી છે.