પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટને મોટો ઝટકો મળ્યો છે. વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલની મેચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિનેશનું મેચ પહેલા વજન માપવામાં આવ્યું હતું જેમાં થોડું વધારો જાેવા મળ્યું. જેના કારણે અયોગ્ય જાહેર થઈ. આખરે અચાનક વિનેશ ફોગાટનું વજન એકદમ કેવી રીતે વધી ગયું? જેના કારણે તે મેડલની રેસમાંથી જ બહાર થઈ ગઈ. એવું કહેવાય છે કે વિનેશ ફોગાટ માત્ર ૧૦૦ ગ્રામ વજન વધુ હોવાના કારણે મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ. તેણે મંગળવારે જ જીતની હેટ્રિક લગાવીને લગભગ એક મેડલ કન્ફર્મ કર્યો હતો.
વિનેશ ફોગાટને આ જાણીને ખુબ ઝટકો લાગ્યો છે. રિપોર્ટ્સ મુજબ તેની તબિયત બગડી ગઈ છે અને તેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. વિનેશ આ જાણીને બેહોશ થઈ ગઈ અને તરત જ તેને હોસ્પિટલ ખસેડાઈ. પીએમ મોદીએ વિનેશ ફોગાટને દેશનું ગૌરવ જણાવીને તેના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે.
ટિ્વટર પર એક સંદેશો પોસ્ટ કરીને વિનેશ પ્રત્યે ચિંતા પણ વ્યક્ત કરી. વિનેશ ફોગાટને પહેલેથી જ એ વાતનો ડર હતો. મંગળવારે રમાયેલી કુસ્તી દરમિયાન તે એકદમ ફીટ હતી. પરંતુ રિપોર્ટ્સ મુજબ તેનું વજન રાતોરાત ૨ કિગ્રા વધી ગયું. જેના કારણે તેણે આખી રાત ખુબ મહેનત કરી અને ઊંઘને કુરબાન કરી. આમ છતાં ૧૦૦ ગ્રામ વજન વધુ હોવાના કારણે તે મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ.
અધિકારીઓ દ્વારા વધુ એક ચાન્સ આપવાની અપીલ કરાઈ પરંતુ તેને ફગાવી દેવાઈ. આંતરિક સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીએ ઈન્ડિયન ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા સાથે વાત કરી અને આ મુદ્દે જાણકારી માંગી તથા વિનેશની હાર બાદ ભારત પાસે શું વિકલ્પ છે તે અંગે પણ જાણકારી લીધી. તેમણે વિનેશ મામલે મદદ માટે તમામ વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યું. તેમણે પીટી ઉષાને પણ વિનેશની મદદ માટે તેની અયોગ્યતા અંગે કડક વિરોધ નોંધાવવાનો પણ આગ્રહ કર્યો.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટ ઈતિહાસ રચવામાં ચૂકી ગઈ. વિનેશ ૫૦ કિલોગ્રામની કેટેગરીની ઈવેન્ટમાં ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં વિનેશનો સામનો અમેરિકી રેસલર સારા સાથે થવાનો હતો પરંતુ મેચની બરાબર પહેલા વધેલા વજનના કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી. વિનેશનું વજન થોડા ગ્રામ જ વધારે હતું. આ કારણે તે હવે ફાઈનલ મેચ માટે મેટ પર ઉતરશે નહીં.
તેનાથી પણ વધુ નિરાશાની વાત એ છે કે ભારતની આ ચેમ્પિયન દીકરીને કોઈ પણ મેડલ નહીં મળે. હવે એ જાણવું મહત્વનું બને કે ગણતરીના કલાકોની અંતર વિનેશ ફોગાટનું વજન આખરે કેવી રીતે વધી ગયું? વિનેશ ફોગાટનું વજન વધવા પાછળના કારણો શું હોઈ શકે તે તો જ્યારે માહિતી સામે આવશે ત્યારે જાણી શકાશે પરંતુ તાબડતોબ વજન વધવા પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે તે જાણવું પણ જરૂરી છે.

