Gujarat

બિહારના જહાનાબાદમાં સિદ્ધેશ્વર મંદિરમાં મચેલી ભાગદોડમાં ૭ લોકોના મોત, ૧૨ ઘાયલ

બિહારના જહાનાબાદમાં શ્રાવણના ચોથા સોમવારે ભગવાન શિવના જળાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ છે. આ અકસ્માતમાં ૧૨થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. આમાંના ઘણા ભક્તોની હાલત નાજુક છે.

આ ઘટના જહાનાબાદના મખદુમપુર સ્થિત વાણાવર બાબા સિદ્ધેશ્વરનાથના મંદિરમાં બની હતી. માહિતી મળતાં જ પોલીસ અને ડિઝાસ્ટર રિલીફ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘાયલોને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ ભક્તો ભોલેનાથના જળાભિષેક માટે શ્રાવણના ચોથા સોમવારે મંદિરમાં એકઠા થયા હતા. જાે કે મંદિરમાં નાસભાગ કેવી રીતે થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

જહાનાબાદના એસએચઓ દિવાકર વિશ્વકર્માએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતા જ એસપી અને ડીએમએ પોતે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના જળાભિષેક દરમિયાન બની હતી. આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા આનંદ કુમાર ઉર્ફે વિશાલે જણાવ્યું કે આ ઘટના રાત્રે લગભગ ૧ વાગ્યે બની હતી. ત્યારે મંદિરમાં જળ ચડાવતા લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. પહેલા પાણી ચઢાવવા માટે ભક્તો ધમાલ કરવા લાગ્યા. થોડી જ વારમાં આ ઝપાઝપી નાસભાગમાં ફેરવાઈ ગઈ.

આવી સ્થિતિમાં જેઓ બહાર નીકળ્યા તેઓ તો બચી ગયા, પરંતુ જેઓ અંદર ફસાયેલા રહ્યા, તેમના પર અનેક લોકો ચડીને બહાર નીકળવા લાગ્યા હતા. જેના કારણે સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. અન્ય ઇજાગ્રસ્તોના જણાવ્યા અનુસાર, જાે કે આ મંદિરમાં વર્ષના ૩૬૫ દિવસ ભક્તોની ભીડ રહે છે, પરંતુ શ્રાવણના મહિનામાં ભીડ વધુ વધી જાય છે. ખાસ કરીને સોમવારે મંદિરમાં જળાભિષેક કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગે છે. આ વખતે પણ સાવનના ચોથા સોમવારે ભોલેનાથના જળાભિષેક માટે રવિવારે રાત્રે ૧૦ વાગ્યાથી જ કતારો લાગી ગઈ હતી. ૧૨.૩૦ પછી લોકો શિવલિંગ તરફ જવા લાગ્યા. દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને આ અકસ્માત થયો હતો.