વડોદરામાં દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થતા આજે વહેલી સવારથી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથ રમત રમવામાં આવી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. શહેરમા ત્રણ તળાવ પાસે મૂર્તિ વિસર્જન કરવા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જગ્યા જ નથી.

કૃત્રિમ કુંડની ક્ષમતા કરતા મૂર્તિઓ વધુ આવી જતા કેટલાંક શ્રદ્ધાળુઓએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. અને મૂર્તિ પરત લઇ ગયા હતા. માંજલપુરમાં બનાવેલો કૃત્રિમ કુંડ દશામાની મૂર્તિથી ઉભરાય ગયો હતો. મૂર્તિના થપ્પા લાગી જતા શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ અંગે વિસર્જન કરવાં ગયેલ અને સામાજિક આગેવાન અતુલ ઘામેચીએ જમાવ્યું હતું કે, આજે 10 દિવસ બાદ મા દશામાનું વિસર્જન કરવામા આવી રહ્યું છે.
પાલિકાએ ગોરવા, માંજલપુર અને હરણી તળાવમાં બાજુમાં કુંડ બનવી વિસર્જનની વ્યવસ્થા કરી છે. શહેરનાં પૂર્વ અને ઉત્તર ઝોનના હજારો શ્રદ્ધાળુઓ અહીંયાં વિસર્જન અર્થે આવ્યા છે અને હજુ લોકોની લાઇનો છે. આ કુંડ ભરાય ગયો છે. પાણી કરતાં ઉપર મૂર્તિઓ આવી ગઈ છે, અહીં મૂર્તિઓના થપ્પા લાગ્યા છે. ત્યારે પાલિકા ફરી એકવાર આયોજનમાં નિષ્ફળ રહી છે. ત્યારે આવનારા સમયમાં યોગ્ય વ્યવસ્થા થાય તેવી અમારી માગ છે.

