Gujarat

ભારત દેશને આઝાદી મળ્યાને ૭૮ વર્ષ પુરા થયા.સ્વતંત્રતાના આ દિવસે એ દરેક વીરોનાં બલિદાન અને સંઘર્ષને ભૂલાય તેમ નથી- રેખા પટેલ ( ડેલાવર)

ભારત દેશને આઝાદી મળ્યાને ૭૮ વર્ષ પુરા થયા.સ્વતંત્રતાના આ દિવસે એ દરેક વીરોનાં બલિદાન અને સંઘર્ષને ભૂલાય તેમ નથી- રેખા પટેલ ( ડેલાવર)

દૂધમલ શહીદોના રક્તથી શોભતી આઝાદી સસ્તી નથી.
ના મનાવો આ દિવસ નામ પુરતો, આટલામાં મુક્તિ નથી.
સાચી સમજ વિના આઝાદી એમ કોઈને કઈ ફળતી નથી.

લગભગ ૨૦૦ વર્ષની ગુલામી પછી દેશ આઝાદ થયો, ત્યારે લગભગ નિચોવાઈ ગયેલા દેશને ફરી બેઠો કરવા માટે દરેક નાગરિક જોશ જુસ્સા સાથે તૈયાર હતો અને એજ કારણે આજે આટલા વર્ષોમાં દુનિયામાં આપણી અલગ જગ્યા બનાવી શક્યા છીએ. છતાં પણ હજુ કશુંક ખૂટે છે, એ છે દેશનું યુવાધન, જેની અદ્ભુત શક્તિઓને સાચવવાની અને સાચામાર્ગે વાળવાની જરૂર છે.

આજે આપણી પાસે દેશને વધુ ઉજ્જવળ બનાવે તેવા નેતાઓ છે. જેના પરિણામે આજે ઘણું મેળવી શક્યાનો આનંદ અને ગૌરવ માણી શકાય તેમ છે. દેશનું ભવિષ્ય ઉજ્જવળદેખાય છે.
દેશ વિદેશમાં ભારતના નામનો ડંકો વાગે છે ત્યારે પરદેશમાં રહીને પણ મસ્તક ગૌરવથી ઊંચું થાય છે.
આત્મનિર્ભરતા અને વિકાસ આ ગૌરવના પાયામાં રહેલા છે. દરેક જો પોતાની જવાબદારી સમજે તો ઝડપથી ઉન્નતિના માર્ગે વધી શકાય.

આપણા ભૂતકાળ તરફ નજર નાખીએ તો દુનિયામાં ચાર દેશો સમૃદ્ધ હતા જેમાં એક હિન્દુસ્તાન હતું.
આપણો ભૂતકાળ જો ભવ્ય હતો તો ભવિષ્ય કેમ નહિ? મલેચ્છો અને અંગ્રેજોની લુંટ પછી આપણે ઘણું ખોયું, છતાં આપણી સંસ્કૃતિ અને ઉન્નત ભાવના કોઈ લઇ જઈ શક્યા નથી જેના પરિણામે
બીજા દેશોની હરોળમાં ઝડપથી આવી ગયા છીએ.

પીએમ મોદીની રાજ્ય વ્યવસ્થા દરમિયાન ભારતને વિદેશોમાં યોગ્ય સ્થાન મળ્યું એમ કહેવું જરાય ખોટું નથી. ઘરથી વિદેશ સુધીની તેમની નીતિએ દેશને માન અપાવ્યું છે. આ કારણે વિદેશોની ભારત તરફ જોવાની નજર અને સમજ બદલાઈ ગયા છે. હા બજેટ માળખું કદાચ ખોરવાયું હશે પરંતુ કૈક મેળવવા કૈક સહન કરવું રહ્યું.

ઉજ્જવળ ભવિષ્ય સાથે ભૂતકાળને તેના અનુભવોને વાગોળવા જરૂરી બની રહે છે. આજે આપણે સ્વતંત્ર
ભારતમાં શ્વાસ લઇ રહ્યા છીએ પરંતુ આ માટે આપણા વડીલોએ દેશને આઝાદી અપાવવા શું છોડ્યું હશે તેની કલ્પના પણ કરવી અઘરી છે. અનેક લોકોના લોહીયાળ બલિદાનો પણ અહી જોડાએલા છે. આજે આપણે જૂની વાતો સાંભળીને પણ અરેરાટી અનુભવીએ છીએ.જ્યારે તેઓ તો એ સ્થિતિને જીવ્યા હતા. એ કલ્પના માત્ર કંપાવી દે છે.
ભારતીય સેનાના અનેક વીર જવાનો, જે દેશમાટે કુરબાન થયા છે, સાથે પોતાની જાનની પરવા કર્યા વિના સરહદો ઉપર સેવા આપી રહ્યા છે, તેમને મનોમન સલામી આપવી રહી.
કવિ શ્રી પ્રદીપજી એ લખેલું અને સ્વર્ગસ્થ લતાજીના મુખે ગવાએલું ગીત..

એ મેરે વતન કે લોગો તુમ ખુબ લગા લો નારા
યે શુભ હૈ હમ સબ કા, લહરા લો તિરંગા પ્યારા…
એ મેરે વતન કે લોગો, જરા આંખમેં ભાર લો પાની
જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની,

આટલું ગુનગુનાવતા પણ રુંવાટા ફરકી ઉઠે છે. આ ગીતના શબ્દે શબ્દમાં દેશના એ વીરો માટે માન ,પ્રેમ અને અનુકંપા છે.

આપણને બધું થાળીમાં સજાવીને મળ્યું છે, હવે દેશના યુવાનોનો વારો. જેમના કારણે આવતી કાલ મજબુત બનશે. દેશનાં યુવાનો જ્યારે ખભેખભા મિલાવી પ્રગતિની રાહમાં જોડાઈ જશે ત્યારે ભારતને બીજા સધ્ધર દેશોનીહરોળમાં કાયમી સ્થાન આપતા કોઈ નહિ રોકી શકે.
આઝાદ ભારતમાં દરેકના વિચારો આઝાદ છે. પરંતુ એ સ્વતંત્રતાનો જ્યારે દુરુપયોગ ના થાય એ જોવાનીફરજ આપણા સહુની છે.

ભારતના દરેક વ્યક્તિએ મારો દેશ મારો પરિવાર વિચારી તેની માટે કૈક કરી છૂટવા તત્પર રહેવું જોઈએ. બધુજ નેતાઓ કરશે, સરકાર કરશે એમ વિચારી આંખે દેખાતા જરૂરી પ્રશ્નો અને સમસ્યાઓ માટે તેમની રાહ ના જોતા પોતાનાથી બનતા પ્રયત્ન જરૂર કરવા જોઈએ.

જ્યાં દીકરીઓ રાત્રે ઘરની બહાર જતા ડર અનુભવે, અનાથ બાળક, ઘરડા વૃદ્ધોને માથે છત ના હોય,
ભૂખથી પીડાઈ કોઈ આત્મહત્યા કરે તેવી સ્વતંત્રતા ખરા અર્થમાં શું અભિમાનને લાયક છે?

આઝાદીના આ પર્વ ઉપર બસ કોઈ એકને મદદ કરીશ એવો નિયમ જો દરેક ભારતવાસી લેશે તો સાચા અર્થમાં દેશને સો તોપોની સલામી જેટલું ગૌરવ ગણાય.

અમે એનારાઈ વર્ષોથી પરદેશમાં રહીએ છીએ છતાં દેશ અને તેની મમતાને વિસારી શકતા નથી.
ભારત અને તિરંગો સદાય દિલમાં છે. આજ કારણે પરદેશમાં આજે પણ દેશ ઉજ્જવળ છે..

IMG-20240815-WA0012.jpg