Gujarat

આમોદ નગરમાં ઉભરાતી ગટરોથી નગરજનો ત્રાહિમામ

પાલિકા સત્તાધીશોને રજૂઆત કરવાથી માત્ર ઠાલા વચનો સાંભળવા મળે છે.
આમોદ નગરમાં અનેક ઠેકાણે ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે.ગટરનું દુર્ગંધ મારતા પાણીથી નગરજનો ત્રાહીમામ પોકારી ઊઠયા છે.છતાં સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી.પાલિકા સત્તાધીશો નક્કર પરિણામ આપવાને બદલે માત્ર ઠાલા વચનો આપી રહ્યા છે.
આમોદ નગરમાં આવેલા વોર્ડ નંબર ત્રણમાં વણકરવાસમાં રામદેવપીર મંદિર પાસે છેલ્લા ૧૫ દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. ભૂગર્ભ ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી મંદિર સામે જ રેલાઈ રહ્યું છે.જ્યાં સરકારી આંગણવાડી પણ આવેલી છે.આંગણવાડીમાં જતાં નાના બાળકો તેમજ મંદિરે દર્શન કરવા જતાં દર્શનાર્થીઓને ફરજિયાત પણે ત્યાં ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે.
ત્યારે નાના બાળકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થઈ રહ્યો છે.આ ઉપરાંત ગટરનાં ગંદા પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જતા લોકોની આસ્થા પણ દુભાઈ રહી છે.એક બાજુ તહેવારો પણ આવી રહ્યા છે.આમોદ રામદેવપીર યુવક મંડળ દ્વારા જ્યાં જન્માષ્ટમી,ગણેશ ચતુર્થી સહિતના ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે.
આ ઉપરાંત ભાદરવા સુદ નોમના દિવસે રામદેવપીર મંદિરે નેઝા ઉત્સવની પણ ભવ્ય ઉજવણી થાય છે.ત્યાં જ ગટરનાં ગંદા પાણી રેલાઈ રહ્યા હોય સ્થાનિક લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે.અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળતું નથી, પાલિકા સત્તાધીશો તરફથી માત્ર ઠાલા વચનો સાંભળવા મળી રહ્યા છે.
વિરલ ગોહિલ, ભરૂચ