Gujarat

જિલ્લાના વિસ્તારોમાં દબાણ દૂર કરવા, જમીન માપણીની કામગીરી તાકીદે કરવા સૂચના અપાઈ

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને હેમંત ખવા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના ઉકેલ માટે કાર્યવાહી કરવા કલેક્ટરે સૂચના આપી હતી.

જેમાંજિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, શહેરી વિસ્તારમાં શાળા અંગેનો પ્રશ્ન સહિતના મુદ્દાઓ અંગેના ધારાસભ્યોના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી.

કલેકટરે જામનગરના વિકાસને ધ્યાને રાખીને કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓને સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરી તેનો અમલ કરવા સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર તથા પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા.