સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર ગેરબંધારણીય આપેલા ચુકાદાના વિરોધમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) દ્વારા ભારત બંધનું એલાન આપવામા આવ્યું છે. જેના સમર્થનમાં વડોદરા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તે બાદ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ. જી. રોડ ઉપર દુકાનો બંધ કરાવવા બાબતે ઘર્ષણ થયું હતું. જોકે, પોલીસે દરમિયાનગીરી કરીને ઘર્ષણને ટાળ્યું હતું. વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો,વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા ST-SC ક્રિમિલિયર લાગૂ કરવાના આપેલા ચુકાદાના વિરોધમાં રાષ્ટ્રીય સંગઠન દ્વારા બુધવારે ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું હતું.
જેના વિરોધમાં સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિવિધ સંગઠનો દ્વારા દેખાવો, વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા પણ વડોદરામાં દેખાવો, સૂત્રોચ્ચાર અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ગૃહ ખાતે સમાજના લોકો ધજાઓ તેમજ પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પ્રચંડ વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન બાદ સમાજના લોકો દ્વારા ગાંધીનગર ગૃહથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

