Gujarat

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા મળ્યું શોભાયાત્રા સંકલન સંમેલન, ઇન્ટરનેશનલ હાસ્ય કલાકાર ધારશી બેરડિયાએ લોકોને ડોલાવ્યા

જામનગર :

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે સમગ્ર દેશમાં હર્ષલ્લાસપૂર્વક વિવિધ આયોજનો થઈ રહ્યા છે ત્યારે જામનગરમાં પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા નું 18 માં વર્ષે આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત ગુરૂવારે જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન યોજાયું હતું.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ને વધાવવા માટે જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા અંતર્ગત શહેર ભરમાં 17 જેટલા જાહેર સ્થળોએ જન્માષ્ટમી શોભાયાત્રામાં આહવાન કરતા જુદા જુદા સંસ્થા અને મહાનુભાવોના સહયોગથી 150થી વધુ બેનરો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓટો રીક્ષા અને જાહેર સ્થળોએ સામાજિક અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રામાં આહવાન કરતા મોટા બેનર અને હોર્ડિંગ્સો પણ લગાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા 10,000 થી વધુ બાઈક અને વિવિધ વાહનો માટે ભગવાન કૃષ્ણના રાઉન્ડ સ્ટીકર લગાવી કાનામયી વાતાવરણ બનાવવામાં આવ્યું છે. ત્યારે જન્માષ્ટમી પહેલા જ જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પૂર્વે આ વર્ષે શોભાયાત્રા તેમજ મટકી ફોડ અને સ્વાગત કાર્યક્રમને સુચારુંરૂપે દિવ્ય અને ભવ્યતા પૂર્વક યોજવા જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં નીકળનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રા શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી 26, ઓગસ્ટ 2024 ના સોમવારે સવારે 9:00 કલાકે પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં 25 જેટલા વિવિધ સંગઠનોના ધાર્મિક ફ્લોટ્સો જોડાવાના છે. આ ઉપરાંત 11 થી વધુ સ્થળોએ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ અને સ્વાગત માટે પણ અદકેરું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન અંગે જામનગરમાં ગોકુળિયા જેવો માહોલ બનાવવા માટે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર, જામનગર ખાતે 22, સપ્ટેમ્બર, 2024ના રવિવારે સાંજે 7.00 વાગ્યે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માંચાર્ય ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજની આજ્ઞાથી જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન યોજાયું હતું.

આ સંમેલનમાં ઇન્ટરનેશનલ હાસ્ય કલાકાર ધારશી બેરડીયા એ જન્માષ્ટમીના સાર્વજનિક શોભાયાત્રા ના આયોજનમાં લાગેલા દરેક સંસ્થાના પ્રતિનિધિઓને બિરદાવ્યા હતા અને સનાતન ધર્મના ભગવાનના અવતરણના અવસરોને લઈને થઈ રહેલી ઉજવણીમાં પોતે પણ સહભાગી થશે તેવી વાત કરી ઉપસ્થિત સૌ કોઈ અગ્રણીઓને હાસ્યની સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક વાતોથી તરબોળ કરી સૌ કોઈને કૃષ્ણમયી બનવા આહવાન કર્યું હતું.

આ સંમેલન દરમિયાન શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરના શ્રી 108 લક્ષ્મણદેવજી મહારાજે ઉપસ્થિત રહી સૌ કોઈને આશીર્વાદ પાઠવ્યા હતા અને શોભાયાત્રા માટે કામે લાગેલા તમામ લોકોને બિરદાવ્યા હતા. આવનારી જન્માષ્ટમીની શોભાયાત્રામાં સૌ કોઈ ધર્મ પ્રેમીઓને જોડાવા પણ તેમને આહવાન કર્યું હતું અને ખાસ યુ.કે. ધર્મ પ્રવાસે ગયેલા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો તેની પણ યાદી કરાવી હતી.

છોટીકાશી ગણાતા જામનગરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની 18માં વર્ષે નીકળનાર સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર તમામ ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા, રાજકીય અગ્રણીઓ અને ધર્મપ્રેમીઓનું ખાસ સંમેલન મળ્યું હતું. જેમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઇ પિઠીયા, ભરતભાઈ ડાંગરિયા, કિશનભાઇ વસરા સહિતના અગ્રણીઓની કોર કમિટી બનાવી વિવિધ આગેવાનોના સહયોગથી અત્યાર સુધીમાં થયેલા આયોજન અંગે વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો હતો અને શોભાયાત્રા વધુ ભવ્ય બને તે માટે તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે.