Gujarat

જૂનાગઢમાં શિક્ષણ ક્ષેત્રે ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ

જૂનાગઢ શહેરમાં શિક્ષણના નામે ચાલતો વેપલો અને શાળાઓની મિલીભગતનો વધુ એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. હજુ તો જોષીપરા માંથી ઝડપાયેલી ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે શરૂ કરેલી ગેરરીતિઓ અને વેપલા અંગેની તપાસ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં જ જૂનાગઢ શિક્ષણ વિભાગ કોઈ નક્કર કામગીરી કરે કે પોતાની ઘોર નિંદ્રામાંથી જાગે તે પહેલાં ગાંધીનગર વડી કચેરી તરફથી તપાસ પૂર્ણ કરીને 45 જેટલા વિદ્યાર્થીઓની શંકાસ્પદ યાદી સીધી જૂનાગઢ મોકલી આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલા આલ્ફા સંકુલમાં મોટું કૌભાંડ બહાર આવ્યું હતું જેને લઇ ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.ગાંધીનગરથી આટલી મોટી યાદી આવ્યા બાદ જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી અને સમગ્ર વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. હંમેશાની જેમ આ વખતે પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ ‘તપાસ હાથ ધરવામાં આવશે અને ગુનેગારો સામે કાર્યવાહી થશે’ એવું જ પરંપરાગત રટણ રટવાનું શરૂ કરી દીધું છે.

​શિક્ષણ જગતમાં વ્યાપેલા આ કાળો કારોબાર અને વેપલાની નીતિએ શૈક્ષણિક મૂલ્યોને સંપૂર્ણપણે ધૂળધાણી કરી નાખ્યા છે. વિદ્યાર્થીઓના વાલીઓ પોતે જ પોતાના બાળકોના ભવિષ્ય સાથે રમત રમીને, બાળકોને સરકારી કે ખાનગી શાળામાં ચોપડે પ્રવેશ અપાવી દે છે. ત્યાર બાદ આ બાળકોને શાળાએ અભ્યાસ કરવા મોકલવાને બદલે જુદા જુદા પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ અને એકેડેમીઓમાં મોકલીને સૈનિક સ્કૂલ તથા જવાહર નવોદય વિદ્યાલય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવવામાં આવે છે.

આવા અનૈતિક વેપલાના કારણે રાજ્યભરની ઘણી શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે મોટું કૌભાંડ અને ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું ખુલ્લું પડ્યું છે. આ તમામ શાળાઓ અને ત્યાં નામ માત્ર નોંધાયેલા ડમી વિદ્યાર્થીઓની યાદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.