ચોમાસામાં પહેલીવાર 738 રોડ તૂટ્યા છે, જેની મરામત માટે 3 કરોડ અને તેમાં પણ દોઢ કરોડ તો 3 દિવસમાં ખર્ચી નાખ્યા છે. હવે ફરી વરસાદ શરૂ થઈ રોડ ધોવાઈ જવા છતાં રિપેરિંગ ચાલુ રખાયું હતું.
પાલિકાએ ખાડા પૂરો અભિયાન શરૂ કર્યું છે, જેમાં પ્રતિ ટન હોટમિક્સ પાછળ 3 હજાર ચુકવાય છે. સુરત: રોડ નિર્માણ અને મરામતની ગુણવત્તા સતત કથળતી જતાં આ વર્ષે સૌથી વધુ રોડ તૂટ્યા હોવાનો મેયર દક્ષેશ માવાણીએ એકરાર કર્યો હતો. જો કે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રોડ વારંવાર તૂટતાં ક્વોલિટી અને ડિઝાઇન માટે L&Tના તજજ્ઞોને પણ કન્સલ્ટ કરાશે.
તેમણે ઉમેર્યું હતું કે, ‘વરસાદમાં ધોવાયેલા રોડની મરામત બાબતે દર 2 કલાકની માહિતી મેળવાઈ રહી છે. આ ઉપરાંત L&T કંપનીના ઉચ્ચ હોદ્દેદારો સાથે ચર્ચા પણ કરી છે. આગામી દિવસોમાં કમિશનરની અધ્યક્ષતામાં બેઠક કરી યોગ્ય નિર્ણય લેવાશે. તેમણે એવો પણ બળાપો ઠાલવ્યો હતો કે, પ્રજાએ ભોગવવાનું, શાસકોનો મરો ને અધિકારીઓને કોઈ કહેવા જવાનું નથી.

