Gujarat

ભાજપના પૂર્વ હોદ્દેદારો સદસ્યતા અભિયાનના એપ લોન્ચિંગમાં ગેરહાજર

રાજકોટ શહેર ભાજપમાં બધુ સમુંસૂતરું નથી ચાલી રહ્યું, શહેરમાં બે નહીં પરંતુ અનેક જૂથ ચાલી રહ્યા છે. સંગઠન ચલાવી રહેલા વર્તમાન હોદ્દેદારોને નીચા બતાવવા જૂના એકપણ મોકો ચૂકતા નથી તો પૂર્વને પૂરતું સન્માન નહીં મળતું હોવાની તેમના તરફથી પણ ફરિયાદો કરવામાં આવે છે.

બુધવારે સંગઠન પર્વ સદસ્યતા અભિયાનની એપનું લોન્ચિંગ શહેર ભાજપ કાર્યાલયે કરવામાં આવ્યું હતું. શહેરભરમાંથી કાર્યકરો અને હોદ્દેદારો આવ્યા હતા, પરંતુ અગાઉ જે લોકો સત્તા ભોગવી ચૂક્યા છે તેવા અનેક મોટાં માથાંઓની ગેરહાજરી આંખે ઊડીને વળગતી હતી.

શહેર ભાજપ કાર્યાલયે સદસ્યતા અભિયાનની એપના લોન્ચિંગમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, સંસદ સભ્ય પરસોત્તમ રૂપાલા, ધારાસભ્યો ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશ ટીલાળા તેમજ શહેર પ્રમુખ મુકેશ દોશી સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા અને સદસ્યતા અભિયાનને સફળ બનાવી રાજકોટ શહેરમાં રેકોર્ડબ્રેક સભ્ય નોંધણી કરવાનો હુંકાર કરવામાં આવ્યો હતો.

આજના કાર્યક્રમમાં વજુભાઇ વાળા, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ ધારાસભ્યો ગોવિંદ પટેલ, લાખા સાગઠિયા, તેમજ અન્ય અગ્રણીઓમાં નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ, મોહન કુંડારિયા સહિતના મોટાં માથાંઓ હાજર રહી શક્યા નહોતા. કાર્યકરોને સંબોધતા સંસદ સભ્ય પરસોત્તમ રૂપાલાએ એવી પણ ટકોર કરી હતી કે, પક્ષ દ્વારા સભ્ય નોંધણીની જે કામગીરી સોંપવામાં આવી છે

તેમાં રાજકોટ શહેર મહત્તમ સદસ્યો બનાવી રાજ્યભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે, પરંતુ તેમણે એમપણ કહ્યું હતું કે, નવાની લહાયમાં જૂના ભુલાઇ ન જાય અને વજુભાઇ જેવા વરિષ્ઠ આગેવાનના ઘરે જઇને તેમની નોંધણી કરજો.