Gujarat

વડોદરામાં પૂરપીડિતોએ સમસ્યા જણાવતા મહિલા કાઉન્સિલરે કહ્યું-અહીં શા માટે મકાનો લીધાં?; લોકોએ કહ્યું-પાલિકાએ જ મંજૂરી આપી છે

ગત 26 ઓગસ્ટે 12 ઇંચ વરસાદ ખાબક્યા બાદ વડોદરામાં ત્રણ દિવસના સુધી પૂરથી ભારે તારાજી સર્જાઈ હતી. ઘરોમાં પણી ઘૂસી જતાં શહેરીજનોએ ભારે નુકસાન સાથે મગરો વચ્ચે દિવસો પસાર કરવા પડ્યા હતાં. જેને કારણે છેલ્લા ચાર-પાંચ દિવસથી શિક્ષણમંત્રી કુબેર ડિંડોરથી લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય મનિષા વકીલની સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહિલા કાઉન્સિલર અને સ્થાનિકો વચ્ચે થોડી વાર રકઝક ચાલી.

ત્યારે આજે વોર્ડ નંબર 12ના ભાજપના મહિલા કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી બોટમાં બેસી બિલ ગામમાં ગયા હતા.. જેમાં પૂર પીડિતોએ તેમને સમસ્યા અંગે રજૂઆત કરી હતી. પરંતુ કોર્પોરટરે શાંતિથી વાત સાંભળવાને બદલે કહ્યું હતું કે, અહીં કંઈ જોયા વગર જ મકાન લઈ લીધા? ત્યારે પીડિતોએ કાઉન્સિલરને રોકડું પરખાવતા જણાવ્યું કે, તમારી સત્તામાં જ મકાનોને પરવાનગી અપાઈ છે અને 2018થી વેરો ભરીએ છે.

શરૂઆતમાં લોકોને મહિલા કાઉન્સિલર પાસે જતા રોકાયા.

શહેરના છેવાડાના બિલના મઢી વિસ્તારમાં પૂરના ગોઠણ સુધી પાણી ભરાયા હતાં. જ્યાં કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી વિસ્તારમાં બોટમાં બેસીને પહોંચતા જ રહીશો તેમની તરફ દોડી ગયાં હતા. જ્યાં પહેલા તો હાજર રેસ્ક્યૂ ટીમના કર્મીઓએ લોકોને કાઉન્સિલરની નજીક જતાં રોક્યા હતાં. જે બાદ રજૂઆત કરવાનું જણાવતાં તેમને બોટની નજીક જવા દેવામાં આવ્યા હતાં. અહીં સ્થાનિકોએ તડાફડી બોલાવી દીધી હતી.