રેલ્વે સ્ટેશન રોડનું મંજુર થયેલું કામ તંત્ર ઝડપી શરૂ કરે તેવી જિલ્લા પંચાયત અને કાર્યપાલકને કરી રજૂઆત.
પવિત્ર યાત્રાધામ એવા વિરપુર જલારામ ગામનો હાર્દ સમો જુના બસ સ્ટેન્ડથી જલારામ અતિથી ગૃહ, રેલ્વે સ્ટેશન રોડ,જેનું નવુ નામ સ્વ. વેલજીભાઈ સરવૈયા માર્ગ રાખવામાં આવ્યું છે આ રોડ આર.સી.સી. રોડ મંજુર થયેલ હોવાની માહિતી મળેલ છે તેમ છતાં પણ હજુ સુધી આ કામ શરૂ થયેલ નથી. જો કે હાલમાં આ રોડ ખાડા ખાબડાવાળો જર્જરીત અને બિસ્માર હાલતમાં છે. વાહન ચાલકો, રાહદારીઓ, યાત્રાળુઓ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વાહન ચાલકો, સ્થાનિક વાહન ચાલકો આ બિસમાર રોડને લઈને પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં તહેવારોની સીઝનમાં તેમજ આવનાર નવેમ્બર માસમાં દિવાળી તેમજ પૂજય જલારામ બાપાની જયંતિ વિગેરે ધાર્મિક તહેવારો આવતા હોય, જેથી યાત્રાળુઓ, વાહન ચાલકો, આજુબાજુના ગ્રામજનોના લોકોને, સ્થાનિક પ્રજાજનોને હાલાકી વેઠવી ન પડે તે માટે આ રોડનું આર.સી.સી. કામ ઝડપથી શરૂ કરી અને બનાવી આપવામાં આવે તેવી લેખીત રજુઆત યુવા એડવોકેટ અનીલભાઈ સરવૈયાએ કરી છે. અગાઉ થોડા સમય પહેલાં જ આ રોડનું નામ કરણ ભાજપના દિવંગત આગેવાન સ્વ. વેલજીભાઇ સરવૈયા માર્ગનું ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા આ વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા તેમજ રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના હસ્તે નામકરણ વિધી સંપન્ન કરવામાં આવેલ હતી પરંતુ આ રોડની હાલ સ્થિતિ બિસમાર હોવાથી આ રોડને આર.સી.સી. રોડ નવો કરવા માટે ભૂતકાળમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ રજુઆત કરેલ છે.
ત્યારે ફરી એકવાર આ રોડને નવો બનાવવા વીરપુરના યુવા એડવોકેટ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ને આ મામલે લેખિત રજૂઆત કરી આ રસ્તા નું કામ ઝડપી શરૂ કરવાની માંગ સાથે લેખિત પત્ર લખી રજૂઆત કરી છે.
તસવીર:- કિશનસિંહ મોરબીયા – વીરપુર

