છોટાઉદેપુર સબજેલ ખાતે ગણેશ ચતુર્થી નિમિતે ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં જેલર ડી.કે.પરમાર અને સ્ટાફ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બંદીવાન કેદીઓએ પણ ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે ભગવાન ગણેશની આરાધના કરી હતી. 8 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભગવાન ગણેશને આજરોજ ભારે ભાવ અને નમ્ર આંખોથી વિદાય આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે સબજેલ કંપાઉન્ડમાં ગણેશ સ્થાપના કરવામાં આવી હોય જેમાં રોજેરોજ ભગવાન ગણેશની આરતી પૂજા કરી ગણેશ આરાધના કરવામાં આવી હતી. જેલ સ્ટાફ દ્વારા અને બંદીવાન કેદીઓ દ્વારા ગરબા અને ટીમલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ગણેશ વિસર્જન નિમિતે જેલની અંદર કવાંટ તાલુકામાંથી ટીમલીની ટિમ પણ આવી હતી. અને સંગીત અને પારંપરિક ધાર્મિક કાર્યક્રમનો આનંદ માણવામાં આવ્યો હતો. અને ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જ્યારે જેલ સ્ટાફ અને જાહેર જનતા દ્વારા ભગવાન ગણેશની શોભાયાત્રા નગરના માર્ગો ઉપર ફરી હતી. અને ઓરસંગ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપૂત, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ જ્યોતિકાબેન જોશી, જેલ સલાહકાર સમિતિ સભ્ય વૈશાલીબેન બારીયા તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

