Gujarat

સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”-સ્વચ્છતા હી સેવા ૨૦૨૪નો પાટણ જિલ્લામાં શુભારંભ

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”-સ્વચ્છતા હી સેવા ૨૦૨૪નો પાટણ જિલ્લામાં શુભારંભ

*સ્વચ્છતાને વ્યક્તિત્વ અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ બનાવવાનો પ્રયાસ*

પાટણ જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો ઉદ્દઘાટન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. આ મહત્ત્વાકાંક્ષી અભિયાનની થીમ “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” છે, જેનાથી સ્વચ્છતાને વ્યક્તિત્વ અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 સુધી ચાલનારા આ અભિયાનનો મુખ્ય ઉદેશ્ય સર્વત્ર સ્વચ્છતા કેળવવાનો અને લોકોને સ્વચ્છતા અંગે પ્રેરણા આપવાનો છે.

આ અભિયાનમાં રાધનપુરના કમાલપુર ગામેથી પાટણ લોકસભાના સંસદ સભ્ય,ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારસભ્ય, લવિંગજી ઠાકોર તેમજ પાટણ તાલુકાના સંડેર ગામેથી નિયામક(DRDA) અને સરસ્વતી તાલુકાના વાયડ ગામેથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારી તેમજ અન્ય તમામ તાલુકાઓમાં તાલુકા પ્રમુખથી લઇ સ્થાનિક નેતાઓ અને પદાધિકારીઓ દ્વારા અભિયાનને સફળ બનાવવા ભાગ લેવામાં આવ્યો હતો.

જિલ્લાના તમામ ગામના લોકો અને આસપાસના વિસ્તારોના નાગરિકો અભિયાનના પ્રારંભમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા અંગેની વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગામની મુખ્ય માર્ગની સફાઈ અને સ્વચ્છતા સંબંધી જાગૃતિ ફેલાવતી રેલીઓ સામેલ છે. ગામના નાગરિકોએ ઉત્સાહપૂર્વક આ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. જેમાં તેઓએ ગામમાં સુંદરતા અને સ્વચ્છતા જાળવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ અભિયાનનો પ્રાથમિક ઉદેશ્ય માત્ર ગામ અને શહેરોની ભૌતિક સફાઈ પૂરતો મર્યાદિત નથી, પણ લોકોના વ્યક્તિત્વ અને રોજિંદા જીવનમાં પણ સ્વચ્છતાનો સમાવેશ કરવાની છે. ‘સ્વભાવ સ્વચ્છતા’ એ ભાવનાત્મક અને વ્યવહારિક સ્વચ્છતાનું પ્રતિક છે, જ્યારે ‘સંસ્કાર સ્વચ્છતા’ એ સામાજિક અને સામૂહિક પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે.

સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનમાં અનેક ઇવેન્ટ્સને સામેલ કરવામાં આવી છે. સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન ખાસ કરીને સફાઈ કામદારોના આરોગ્ય અને સુરક્ષા માટે કરવામાં આવ્યું છે, જ્યાં તેમની નોકરી દરમિયાન સામેલ જોખમોથી બચવાના માટે માર્ગદર્શનથી લઈ તેઓના હેલ્થ ચેક અપ સામેલ છે તેમજ આ વર્કશોપ દ્વારા સફાઈ કામદારોને સંપૂર્ણ સ્વચ્છતા સાથે જીવન વ્યતીત કરવા માટે વિવિધ આરોગ્યમય માર્ગદર્શન આપવામાં આવશે.

સ્વચ્છતાના અભિયાનમાં અન્ય એક મહત્વપૂર્ણ ઘટક બ્લેક સ્પોટની સફાઈ છે. આ અંતર્ગત, ગામ અને શહેરના તે વિસ્તારોની સફાઈ કરવામાં આવી રહી છે, જ્યાં ઘણીવાર ગંદકી અને કચરો એકઠો થાય છે જેમાં ગ્રામીણ વિસ્તારોના ગંદા ઉકારડાઓ સામેલ છે, આ કામગીરીથી તે વિસ્તારોને ફરીથી ઉપયોગી અને સ્વચ્છ બનાવવાની દિશામાં પ્રગતિ કરવામાં આવશે. સ્વચ્છતા માટે સમાજના દરેક વર્ગને જોડતા સ્વચ્છતા શપથ પણ લેવડાવવા આવશે જેમાં નાગરિકોએ ગંદકી ન ફેલાવવાનો અને પોતાના આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરશે. શપથ વડે નાગરિકો આ જાગૃતિ પ્રવાહમાં પોતાના યોગદાન માટે પ્રતિબદ્ધ થશે.

‘એક પેડ મા કે નામ’ અભિયાનના ભાગરૂપે, દરેક ગામમાં એક વૃક્ષને વાવવામાં આવશે, અને નાગરિકો દ્વારા તે વૃક્ષની જાળવણી કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે. આ આભિયાન પર્યાવરણને જાળવવાના એક પ્રભાવશાળી પ્રયાસ તરીકે  પણ આગળ વધારવામાં આવશે, જેનાથી નાગરિકો અને પર્યાવરણ વચ્ચેના સંબંધને મજબૂત બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાનમાં વિવિધ રેલીઓના આયોજનથી લોકોને સ્વચ્છતા પ્રત્યે પ્રેરિત કરવામાં આવશે. સ્વચ્છતા એ માત્ર એક ફરજ નહીં, પણ એક સામાજિક અને નૈતિક જવાબદારી છે તે બાબત લોકો સુધી પહોંચાડવાનું અભિયાનનું મુખ્ય ધ્યેય છે. સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન દ્વારા એક નવો યુગ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે. જ્યાં લોકોમાં ભૌતિક તેમજ માનસિક સ્વચ્છતાની જાગૃતિ આવશે.

IMG-20240917-WA0161-4.jpg IMG-20240917-WA0160-3.jpg IMG-20240917-WA0158-1.jpg IMG-20240917-WA0159-2.jpg IMG-20240917-WA0157-0.jpg