Gujarat

કેશોદમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલુ અંડરબ્રિજનું કામ હજુ પૂર્ણ ન થતાં સ્થાનિકો વેપારીઓ સહિતનાઓ હેરાન પરેશાન

સમગ્ર રાજ્યમાં રેલવે ફાટક મુક્ત શહેર બનાવવા માટેના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યાં છે. જેને પગલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ રેલવે અંડરબ્રિજ અને ઓવરબ્રિજ મંજૂર થયા છે. ત્યારે કેશોદ શહેરમાં હાલ અંડરબ્રિજની કામગીરી ધીમીગતિએ ચાલી રહી છે.

છેલ્લા બે વર્ષથી બની રહેલા અંડર બ્રિજના કારણે અહીંના સ્થાનિકો, વેપારીઓ અને વાહનચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. માત્ર ચોમાસું જ નહીં પરંતુ તે સિવાય પણ અહીં અંડરબ્રિજમાં પાણી ભરાય છે. જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

અંડર બ્રિજ નજીક વેપાર ધંધો કરતા વેપારીઓ પણ આ અંડરબ્રિજનું કામ ગોકળગતીએ ચાલતું હોવાના આક્ષેપો કરી રહ્યા છે. વર્ષ 2022 માં શરૂ થયેલું આ અંડર બ્રિજનું કામ બે વર્ષ પૂર્ણ થયા બાદ પણ પૂરું થયું નથી. વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા કામ વહેલું પૂર્ણ થઈ જશે તેવી માત્ર હૈયાધારણા જ આપવામાં આવે છે.

કેશોદના રહીશ હમીરભાઇ ભેડાએ જણાવ્યું હતું કે, કેશોદમાં જે અંડરબ્રિજ બની રહ્યું છે જેને લઈ હાલ પૂર્વ વિસ્તારના લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. માત્ર ચોમાસા દરમિયાન જ નહીં પરંતુ બારેમાસા અહિં પાણી ભરાયેલા રહે છે. હાલ આ અંડર બ્રિજનું કામ ગોકળગતીએ ચાલી રહ્યું છે.

બે વર્ષ થયા છતાં આ કામ પૂર્ણ નથી થયું તો આ કામ ક્યારે પુરું થશે ? અને જ્યારે અંડર બ્રિજ મામલે જવાબદાર અધિકારીઓને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે અલગ અલગ જવાબો આપવામાં આવે છે. હાલ તો આ અંડર બ્રિજના કારણે લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિક અધિકારીઓ નેતાઓએ આ મામલે વહેલી તકે નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે.