આમ તો સાવરકુંડલા શહેર એટલે સંત સૂરાની ખમીરવંતી ધરા.. આ નવલગંગાના શહેર સાવરકુંડલાની ધરા પર આજરોજ તા. ૨૦/૯/૨૦૨૪ના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા અમરેલી જિલ્લામાં વિકાસના અનેક કામોના ખાતમૂહુર્ત પૈકી સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ પાસે રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા સાવરકુંડલા ગીરધરવાવ વચ્ચે રેલવે ઓવર બ્રીજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

તેમજ ઉર્જા વિભાગ દ્વારા વીજળી ડિસ્ટ્રીબ્યુશન વધારે મજબૂત બનાવવા અને ખેડૂતોને પુરતા વોલ્ટેજ સાથે વિજ પુરવઠો મળી રહે તે માટે સાવરકુંડલાના આદસંગ, ભોંકરવા અને ગોરડકા નવા ત્રણ ૬૬ કે.વી સબ સ્ટેશનનું ઇ-લોકાર્પણ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત લીલીયા ગ્રામ પંચાયતને સ્વચ્છતા માટે જેટીંગ મશીનનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે ધારાસભ્ય મહેશભાઇ કસવાળા,કૌશિકભાઇ વેકરિયા, હીરાભાઇ સોલંકી, જનકભાઇ તળાવિયા, જે.વી. કાકડીયા અને સાંસદ ભરતભાઇ સુતરિયા સહિતના નેતાઓ ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલા સંનિષ્ઠ પ્રયત્નોથી સાવરકુંડલા-લીલીયા વિધાનસભા માટે માતબર ગ્રાન્ટો લાવ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સાવરકુંડલા ખાતે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા જે સાવરકુંડલા – લીલીયાની જનતાને પ્રગતિના પંથ પર લઇ જશે.
બિપીન પાંધી

