જૂનાગઢના બગડુ ગામેથી મંત્રીશ્રીના હસ્તે જિલ્લાના વિવિધ વિકાસ કામોનું ઈ – લોકાર્પણ- ખાતમુહૂર્ત
‘ સુવિધા શહેરની અને આત્મા ગામડાંનો‘ ની નેમને અનુસરીને અવિરત વિકાસ કાર્યો થઈ રહ્યા છે : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો

જિલ્લામાં રૂ.૩૬.૯૦ કરોડના ખર્ચે ૨૩ શાળાઓના ૧૫૪ ઓરડાઓનું ખાતમુહૂર્ત : ૧૫.૧૫ કરોડના ખર્ચે નિર્મિત ૧૩ શાળાઓના ૯૦ ઓરડાઓનું લોકાર્પણ
પીંડાખાઈ અને દેવગઢ ૬૬ કેવી સબ સ્ટેશનનું પણ મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ

ગુજરાત સરકારના કૃષિ-પશુપાલન તથા ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે આજે જૂનાગઢના બગડુ ગામેથી શિક્ષણ અને વીજળીના રૂ.૭૩.૧૯ કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.
મંત્રીશ્રીએ રૂ.૧.૪૦ કરોડના ખર્ચે નિર્મિત થનાર બગડુ પ્રાથમિક શાળાનું શ્રીફળ વધેરી શાસ્ત્રોકત વિધિનુસાર ખાતમુહૂર્ત કર્યું હતું.

આ વિકાસ કાર્યોમાં જિલ્લામાં રૂ.૩૬.૯૦ કરોડના ખર્ચે ૨૩ શાળાઓના ૧૫૪ ઓરડાઓ તથા માંગરોળ ખાતે રૂ. ૬.૧ કરોડના ખર્ચે નિર્મિત થનાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું ખાતમુહૂર્ત ઉપરાંત રૂ.૧૫.૧૫ કરોડના ખર્ચે નિર્મિત ૧૩ પ્રાથમિક શાળાઓના ૯૦ ઓરડાઓનું લોકાર્પણ કર્યું હતું.
આ સાથે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિસાવદરના પીંડાખાઈ ગામે રૂ. ૭.૮૭ કરોડના ખર્ચે નિર્મિત ૬૬ કે.વી. સબ સ્ટેશન અને
રૂ.૭.૧૭ કરોડના ખર્ચે ૬૬ કે.વી. દેવગઢ- મેંદરડા સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર- દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપતા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ મુજબ સુવિધા શહેરની અને આત્મા ગામડાનો તેને અનુસરીને ગ્રામ્ય સ્તરે અવિરત વિકાસ કાર્યો થઈ રહ્યા છે, આજે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ – ખાતમુહૂર્તથી શિક્ષણ અને વીજળીની માળખાકીય સુવિધાઓમાં વધારો થશે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ ક્ષેત્રે ધરમૂળથી ફેરફાર કરીને ક્રાંતિ સર્જી છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, બેટી બચાવો બેટી પઢાવો સહિતની યોજનાઓ અને અભિયાનના માધ્યમથી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. વિદ્યાર્થીઓને જરૂરી સાધન સહાય, શિષ્યવૃત્તિ ઉપરાંત વિદેશ અભ્યાસ લોન દ્વારા શિક્ષણને સુલભ બનાવવામાં આવ્યું છે. મેરીટ આધારિત શિક્ષકોની પારદર્શક ભરતીથી શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટા સુધાર થયા છે.

મંત્રીશ્રીએ ગામડાઓમાં માળખાકીય અને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્ન મુજબ આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય એટલે કે, ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત નિર્માણમાં સૌને સહયોગી બનવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, એક સમયે નાણાના અભાવે શિક્ષણ કે અન્ય મૂળભૂત જરૂરિયાતોના કામ થઈ શકતા ન હતા, પરંતુ પ્રવર્તમાન સમયમાં અવિરત વિકાસ કાર્યો થઈ રહ્યા છે, લોકોને આરોગ્ય, રોડ રસ્તા, ૨૪ કલાક વીજળી સહિત જરૂરિયાતો પુરી પાડવામાં આવી રહી છે. તેમણે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાસણને જોડતા રસ્તાઓના નિર્માણ માટે રૂ.૪૩ ફાળવ્યા હતાં. તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે શાબ્દિક સ્વાગત અને ઝેટકોના અધિકારીશ્રીએ આભારવિધિ કરી હતી.
બગડુ ગામે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારી- કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયા, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, અરવિંદભાઈ લાડાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિતીન સાંગવાન, જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી અનકભાઈ ભોજક, અગ્રણી શ્રી અરજણભાઈ દીવરાણીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, સરપંચ એસોસિએશનના હોદ્દેદારો અને આસપાસના ગામોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

