બે મહિનાથી ધમધમતી આ ફેક્ટરી: 3 શખ્સની ધરપકડ
રાજકોટ રૂરલ એસઓજીએ બાતમીના આધારે કરી રેઇડ: ફટાકડા ફેક્ટરીના માલિક જીજ્ઞેશ વિરમગામાની શોધખોળ
જેતપુરના પૂર્વ નગર સેવકએ ગોડાઉન આપ્યું હતું ભાડે

જેતપુરના નવાગઢ વિસ્તારમાં બે મહિનાથી કોઈ પણ મંજૂરી-લાયસન્સ વગર ધમધમતી ફટાકડા ફેક્ટરી ઝડપાઈ હતી. અહીં કામ કરતા મજૂર અને દેખરેખ રાખતા શખ્સ સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ રૂરલ એસઓજીની કાર્યવાહી ફેક્ટરીના માલિક જીજ્ઞેશ વિરમગામાની શોધખોળ હાથ ધરવામાં આવી.

આ અંગે વિગતો મુજબ આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીનો તહેવાર હોય, જેથી લોકો શાંતિમય રીતે તહેવારોની ઉજવણી કરી શકે, તેમજ કોઇ આસ્મીક માનવસર્જીત ઘટના કે માનવ જીંદગી જોખમાય તેવી દુર્ઘટના ન ઘટે તે તકેદારીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં કોઇ પણ લાયસન્સ કે, પરવાના વગર ફટાકડાનું ઉત્પાદન માટે રાખતા રો-મર્ટીરીયલ તેમજ ફટાકડાનું ઉત્પાદન કરતા કારખાના કે, ગોડાઉન ચેક કરી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના હોય, જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે, જીજ્ઞેશભાઇ વિરમગામા (રહે. સુપેડી, તા.ધોરાજી)એ જેતપુરના નવાગઢ, કેનાલ રોડ બળદેવધારની બાજુમાં આવેલ શિવાલય વેર હાઉસમાં આવેલ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ નામના ગોડાઉન નં.4 માં કોઇપણ આધાર કે જરૂરી લાયસન્સ વગર નાના-મોટા ફટાકડા બનાવાનું કારખાનું ચલાવતા હોય, જે ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે તપાસ કરી ગોડાઉનમાં રેડ કરતા લાયસન્સ કે પરવાના વગર ફટાકડા બનાવવા માટેના જુદા-જુદા કેમીકલ તથા રો-મર્ટીરીયલ રાખી ફટાકડા બનાવવાનું કારખાનુ ચાલતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જ્યાંથી તૈયાર ફટાકડા અને જુદા જુદા સ્ફોટક પાઉડર અને મટિરિયલ્સ મળી કુલ કિ.રૂ.36,350નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-125, 288 તથા સ્ફોટક અધિનીયમ 1884 ની કલમ 9બી(1-એ,બી),12 મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.કારખાનામાંથી કામ કરતા તેમજ ધ્યાન રાખતા (1) સાહિલ મુકેશ રામોલીયા (ઉ.વ.-22, રહે,જેતપુર નવાગઢ પટેલ ચોક જિ.રાજકોટ (2) શ્યામુ હાકીમસીંહ કુસ્વાહ (ઉ.વ.29 રહે. સરગવા દાતેલી જિ.ફીરોઝાબાદ, ઉત્તરપ્રદેશ) (3) દેવેન્દ્ર અરવિંદભાઈ માથુર (ઉ.વ.20, રહે. નગલા લીલાધર, અમીરસા જી.સહાવર, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી છે.
તેમની પૂછપરછમાં ગેરકાયદેસર ચાલતા કારખાનાના માલિક જીજ્ઞેશ પરસોત્તમભાઇ વિરમગામા (રહે,સુપેડી તા.ધોરાજી) હોવાનું જાણવા મળતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ પછી તંત્ર કોઈ પણ રીતે બેદરકારી દાખવવા નથી માંગતું. ગેરકાયદે કોઈ પણ સાવચેતી વગર ચાલતી ફટાકડા ફેક્ટરીની જાણ થતાં એફએસએલ અધિકારીને રાજકોટથી જેતપુર દોડાવવામાં આવ્યા હતા. અહીં મોટા પ્રમાણમાં એક્સપ્લોઝીવ પાઉડર, ફટકડામાં ઉપયોગ થતો દારૂ ગોળો મળ્યો હતો. જેની કિંમત લાખો રૂપિયા થાય છે. જ્યાં આ ફેક્ટરી છે તેની ચોતરફ રહેણાંક મકાનો આવેલ છે. મોટી માનવ વસ્તી છે. જો રહેણાંક વિસ્તારમાં અઘટિત ઘટના બની હોત તો મોટી જાનહાનિની શકયતા હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગેરકાયદેસર ચાલતી ફટાકડા ફેક્ટરી અંગે એસડીએમ, જીપીસીબી, ફેક્ટરી એકટના અધિકારી, જેતપુર નગર પાલિકા અને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઇઝેશન ને જાણ કરાશે.
જીજ્ઞેશે વિરમગામાએ જેતપુરના પૂર્વ નગર પાલિકાના સભ્ય અનિલ કાછડીયા પાસેથી જગ્યા ભાડે રાખી હતી અને જ્યાંથી ફટાકડા ફેક્ટરી ઝડપાઇ તે ગોડાઉન અનિલ કાછડીયાના માલિકીનું છે. બે મહિના પહેલા આ ગોડાઉન જીજ્ઞેશે ભાડે લીધું હતું. ભાડા અંગે કોઈ કરાર થયા કે કેમ તે અંગે પણ પૂછપરછ કરી શકે છે. જેથી પોલીસ અનિલની પણ પૂછપરછ કરી શકે છે.આ પ્રકરણમાં પોલીસ સંપૂર્ણપણે ન્યાયિક તપાસ કરે તો રાજકીય વગ ધરાવતા આકાઓ પણ આ સમગ્ર ફેક્ટરી સંચાલનમાં સામેલ હોવાનો ઘટસ્ફોટ થઈ શકે તેમ છે.

