Gujarat

રાજકોટ ખાતે મેયરશ્રી નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને શહેર કક્ષાનો “ગરીબ કલ્યાણ મેળો” યોજાયો

-:ગરીબ કલ્યાણ મેળો – ૨૦૨૪:-

“એજન્ટ પ્રથાની નાબુદી સાથે “ગરીબ કલ્યાણ મેળા” થકી નાગરિકોને ગરિમાપૂર્ણ રીતે મળી રહ્યા છે સીધા લાભ” – સાંસદ શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા સર્વે જન – પ્રતિનિધિઓશ્રી સરકારની કલ્યાણકારી યોજનાઓનો નાગરિકોને મહત્તમ લાભ આપવવા કટિબદ્ધ મહાનુભાવોના હસ્તે ૧,૬૨૨ લાભાર્થીઓને રૂ. ૨ કરોડ ૫૭ લાખની સહાય-કીટ-લાભ વિતરણ કરાયું

જનજનની સુખાકારી અને પ્રગતિની નેમ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે મેયરશ્રી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને અને લોકસભાના સાંસદ શ્રી પુરૂષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાનો “ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪” યોજાયો હતો. આ મેળામાં વિવિધ યોજનાના ૧,૬૨૨ લાભાર્થીઓને રૂ. ૨ કરોડ ૫૭ લાખની સહાય આપવામાં આવી હતી. તેમજ અત્યાર સુધી કુલ ૪૨,૨૪૬ લાભાર્થીઓને રૂ. ૮૮.૫ કરોડની સહાય-કીટ-લાભનુ વિતરણ કરાયું હતું.

આ તકે મેયરશ્રી નયનાબહેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો એક પણ નાગરિક રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાથી વંચિત ન રહે તે હેતુસર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “ગરીબ કલ્યાણ મેળા”ની શરૂઆત કરી હતી. આજે આપણે સૌ “ગરીબ કલ્યાણ મેળા”નો ૧૪મો તબ્બકો ઉજવી રહ્યા છીએ. નાગરિકોની સુખાકારી માટે સેવાની ધારા અવિરત રીતે વહેતી રહે તે માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્લીમાં રહીને પણ આપણાં સૌના કલ્યાણ માટે સતત ચિંતા કરી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે રાજ્ય સરકાર  આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, સ્કોલરશિપ યોજના સહિતની યોજનાઓ લઈને જનતાના દ્વારે પહોંચી છે. ત્યારે જેમને લાભ મળેલા છે તેવા લાભાર્થીઓને અન્ય લોકોને લાભ મેળવવામાં મદદરૂપ બનવા ક્રિકેટ મેયરશ્રીએ અપીલ કરી હતી અને ઉપસ્થિત સૌ લાભાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.

આ અવસરે લોકસભાના સાંસદ શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ એજન્ટ પ્રથાની નાબુદી સાથે નાગરિકોને સીધા લાભ મળે તેવા ગરિમા પૂર્ણ “ગરીબ કલ્યાણ મેળા” ની સાર્થકતા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, નાગરિકોના સર્વાંગી વિકાસ માટે “ગરીબ કલ્યાણ મેળો” મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ એક સ્થળે મળી રહ્યા છે. આજે રાજકોટના ૧,૬૨૨ લાભાર્થીઓને સીધો લાભ મળવા જઈ રહ્યો છે જે તેમને જીવનમાં આગળ વધવા માટે નવી ઊર્જાનો સંચાર કરશે.

શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ સરકારી યોજનાઓનો લાભ મેળવેલા લાભાર્થીઓને એમ્બેસેડર બનવાની પ્રેરણા આપતા કહ્યું હતું કે, આજે આપણે અન્ય નાગરિકોને સરકારની યોજનાઓ વિશે જાણકારી આપીને તેમના જીવનમાં ખુશીની સુવાસ ફેલાવીને પુણ્યનું કામ કરવું જોઈએ. તેમજ સર્વે જન-પ્રતિનિધિશ્રીઓ નાગરિકોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ અપાવવા કટિબદ્ધ છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓશ્રીએ વંચિતોના વિકાસ માટે સુપેરે કામગીરી કરી રહેલા જિલ્લા વહીવટી તંત્રની પણ પ્રશંસા કરી હતી. દરેક લાભાર્થીઓ સરકારની યોજનાની મદદ થકી આત્મનિર્ભર બનીને જીવનમાં ઉરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ અવસરે ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડએ “ગરીબ કલ્યાણ મેળા”ને સાચા અર્થમાં દરિદ્ર નારાયણની ઉમદા સેવાનું માધ્યમ કહ્યું હતું. ધારાસભ્ય શ્રી દર્શિતાબહેન શાહએ  “જ્યાં માનવી ત્યાં સુવિધા”ના મંત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે, તેમ જણાવ્યું હતું.  તેમજ ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ રાજ્ય સરકારની જન-જનના કલ્યાણની સેવાને અને સ્વયંને મળેલા સરકારના લાભોની ગાથાને અન્ય લોકો સુધી પહોંચાડવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરીને  સરકારની કલ્યાણકારી યોજનાઓથી પોતાના જીવનમાં આવેલા સુખદ પરિવર્તન અંગે વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી ૨૭ લોકોને સહાય – કીટ – લાભ અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌ નાગરિકોએ બનાસકાંઠા ખાતે આયોજિત રાજ્ય કક્ષાના “ગરીબ કલ્યાણ મેળા”નું લાઈવ પ્રસારણ નિહાળીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાંભળ્યા હતા. આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીન ઠાકરે સ્વાગત પ્રચન અને આભારવિધિ અગ્નિશામક દળ સમિતિના ચેરમેન શ્રી દિલીપભાઈ લુણાગરિયાએ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગરીબ કલ્યાણ મેળા પહેલા સરકારશ્રીના જુદા જુદા ૧૪ વિભાગોની ૪૫ યોજનાઓ જેવી કે, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાઈકલ,કસ્તુરબા પોષણ સહાય યોજના, આયુષ્માન કાર્ડ, શ્રી વાજપાઇ બેંકેબલ યોજના, માનવ ગરિમા યોજના, અનુસુચિત જાતીના કન્યાઓને કુંવરબાઈના મામેરા માટે નાણાકીય સહાય, વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન, અન્નપૂર્ણા યોજના, PM- સ્વનિધિ યોજના, નિરાધાર વિધવા સહાય, વ્હાલી દિકરી યોજના, સંત સુરદાસ સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિઓને બસમાં મફત મુસાફરી, બાંધકામ શ્રમયોગીઓને સ્કોલરશીપ વગેરે જુદી જુદી ૪૫ યોજનાઓના કુલ-૪૦,૬૨૪ જેટલા લાભાર્થીઓને રૂ.૮૫.૯૩ કરોડની સહાય/કીટ/લાભ વિતરણ કરવામાં આવેલી છે.

આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક શ્રી મનિષભાઈ રાડીયા, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ડી.પી. દેસાઈ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર શ્રી સ્વપ્નિલ ખરે, અગ્રણી શ્રી રૂચિતાબેન જોશી, શ્રી અશ્વિનભાઈ મોલિયા, શ્રી નીલેશભાઈ, શ્રી મંજુબેન સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.