પાછોતરા વરસાદ સતત પડવાથી મગફળી સહિતનાં પાકનો કચ્ચરઘાણ,ચાલુ ચોમાસે અતિવૃષ્ટિ બાદ થોડા બચેલા ખેતીપાકનો પણ સોંથ વળ્યો,સરધારપુર ગામના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.
જેતપુર પંથકમાં પાછોતરા વરસાદથી ઉભા પાકને નુકસાન થતાં અસંખ્ય ખેડૂતોની આંખ ભીની કરી દીધી છે. વરસાદથી મગફળીના પાથરા પલળી જતા મગફળી સાથે ઢોરનો સૂકો ચારો પણ બગડી ગયો છે. ચાલુ ચોમાસે અતિવૃષ્ટિનાં ફટકા ખાનાર ખેડૂતોને તાકિદે વીમો સહાય ચૂકવવા માંગણી ઉઠી છે.

છેલ્લા એક મહિનાથી વરસતા સતત વરસાદને કારણે ખેડૂતોને જે સારા પાકની આશા બંધાઈ હતી, તેની માથે પાણી ફરી વળ્યું છે. હવે તો મોટા ભાગનો પાક વરસાદી ફૂગને કારણે સડી ગયો હોય જેતપુર પંથકના ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
જેતપુર પંથકમાં પડેલ પાછોતરા વરસાદથી કપાસ, મગફળી, એરંડા સહિત પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. સરકારે ગામડે ગામડે વરસાદ માપક યંત્ર મુક્યા ન હોવાથી ખેડૂતોને ખૂબ મોટી નુક્શાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે સરકારી કચેરીના જ આંકડા માન્ય ગણાય છે.

ચોમાસાની શરૂઆતમાં એટલે કે જુનની આસપાસ જેતપુર પંથક સહિત સરધરપુરમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવેતર કરી લીધું હતું. ત્યારબાદ એકથી દોઢ મહિનો વરસાદ જ ન વરસતા ખેડૂતોએ ઉધાર ઉછીના પૈસા લઈ ગમે ત્યાંથી પાણીની વ્યવસ્થા કરી ટપક સિંચાઈ પદ્ધતિથી ઓછા પાણીએ પાકને સિંચાઈ કરવાનું શરૂ કરી દીધું ત્યાં વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો અને હવે સારો પાક થશે તેવી આશા બંધાણી તેમાંય જ્યારે પાકને જરૂર હોય તે મુજબનો જ વરસાદ થતાં ધરતીપુત્ર ખુશખુશાલ થઈ ગયો અને ચાલુ વર્ષે સોળ આની વર્ષ થવાની સંભાવના દેખાવા લાગી હતી.
જોકે હવે પાક ઉપાડવાનો સમય થઈ ગયો પરંતુ વરસાદ સતત ચાલુ જ રહેતા ખેતરમાં ઉભા પાકમાં ફૂગ થઈ ગઈ જેને કારણે મગફળીના છોડ કે જેના છોડમાં મગફળીની ઝુમખું હોય તેની જગ્યાએ માંડ ચારથી પાંચ મગફળી નીકળે છે અને બાકીનામાં ફૂગ થઈ ગઈ હોવાને કારણે મગફળી કાળી થઈને જમીન સાથે ભળી ગઈ એટલે ઓગળી ગઈ છે. કપાસમાં કપાસના છોડ પર ઝીંડવા (ફૂલ) થયા હોય અને તે હવે તો પાકી ગયા હોય તે સતત વરસાદને કારણે ખરી ગયા છે જ્યારે કઠોળ મોટા ભાગનું કાળુ પડી સડવા લાગ્યું છે.

ખેતરમાં અત્યારે એટલું પાણી ભરેલ છે કે મગફળીનો છોડ ઉપાડો તો ત્યાં જે ખાડો થયો હોય તે ખાડો આખો પાણીનો ભરાય જાય એટલે દેશી ખેડૂતની ભાષામાં ખેતરો હવે રેસે છે. પાણી જમીનમાં ઉતરવાને બદલે પાણી જમીનમાંથી બહાર આવવા લાગ્યા છે. ખેતરમાંના કુવાઓમાં પણ જમીન લેવલ સુધી પાણી ભરાઈ ગયું છે એટલે કે ચાલુ વર્ષે સારા પાકને બદલે પાક નિષ્ફળના આરે આવી ગયો છે.
જેતપુર તાલુકાના સરધારપુરના ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો મોટા ભાગનો પાક વરસાદી ફૂગને કારણે સડી ગયો જેતપુર પંથકના ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
પાક ઉપાડવાનો સમય થઈ ગયો પરંતુ વરસાદ સતત ચાલુ જ રહેતા ખેતરમાં ઉભા પાકમાં ફૂગ થઈ ગઈ
ચાલુ ચોમાસે અતિવૃષ્ટિ બાદ થોડા બચેલા ખેતીપાકનો પણ સોંથ વળ્યો
વરસાદથી ઉભા પાકને નુકસાન થતાં અસંખ્ય ખેડૂતોની આંખ ભીની કરી દીધી છે. વરસાદથી મગફળીના પાથરા પલળી જતા મગફળી સાથે ઢોરનો સૂકો ચારો પણ બગડી ગયો છે.
ચાલુ ચોમાસે અતિવૃષ્ટિનાં ફટકા ખાનાર ખેડૂતોને તાકિદે વીમો સહાય ચૂકવવા માંગણી ઉઠી છે.

