Gujarat

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ જેટલા મુદ્દાઓને લઈને નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોદમાં ભારજ નદી પરનું ડાયવર્ઝન તાત્કાલિક બનાવવામાં આવે, અને વનકુટિરથી રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડી સુધીના ખખડધજ રસ્તાને તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેમજ છોટાઉદેપુરથી વડોદરાની ટ્રેન પ્રતાપનગર સ્ટેશન સુધી જ જાય છે.
તેને મુખ્ય સ્ટેશન સુધી લંબાવવામાં આવે તેવા વિવિધ મુદ્દાઓને લઈને નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શશીભાઈ રાઠવા,જગાભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસના યુવા મોરચાના પ્રમુખ વિષ્ણુભાઈ રાઠવા, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાનભાઈ રલિયા, પાવી જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા એ જણાવ્યું હતું કે  ઠેરઠેર રોડ રસ્તા ખરાબ છે.
 
રેત ખનના કારણે સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. અને બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નલ સે જલ યોજનાનું ભ્રષ્ટાચાર, નકલી કચેરી કૌભાંડ, ગરીબ કલ્યાણ મેળાના સાધનોનું કૌભાંડ, સાયકલોનું કૌભાંડ, અનેક કૌભાંડો જોવા મળી રહ્યા છે.ત્રણ જેટલા મુદ્દાઓ ઉપર અમે આજે આવેદન આપ્યું છે. આ ત્રણ જેટલા મુદ્દાઓ પર સરકાર દ્વારા સાત દિવસની અંદર  કોઈ જવાબ આપવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી જિલ્લાના લોકો સાથે વાત કરીને લોકોનો સહકાર લઈને જે પ્રકારનું આંદોલન કરવાની જરૂર પડે એ આંદોલન અમે લોકો સાથે મળીને કરીશું. એમ કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા એ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર