Gujarat

સાવરકુંડલા બ્રહ્મ સમાજે રતન ટાટાજીને શ્રદ્ધાંજલિ આપી, રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કર્યું

 શ્રી શક્તિનવરાત્રિ મહોત્સવ દરમિયાન સાવરકુંડલા બ્રહ્મ સમાજે દેશના ધનવંત અને દેશભક્ત ઉદ્યોગપતિ રતન ટાટાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી  મેહુલભાઈ વ્યાસ દ્વારા સંપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે તમામ બંધુઓ દ્વારા પાંચ મિનિટનું મૌન પાળી સાચી શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ બ્રહ્મસેનાના સભ્યો અને બ્રહ્મબંધુઓએ મોટી સંખ્યામાં સ્વેચ્છાએ રક્તદાન કરીને માનવતાની સેવા કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.
આ નવરાત્રી મહોત્સવ છેલ્લા તેર  વર્ષથી સતત આયોજિત કરવામાં આવે છે તેમજ વર્ષ દરમિયાન અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે. આ નવરાત્રિના પ્રથમ નોરતે મુખ્ય દાતા  દુષ્યંતભાઈ મનોજભાઈ ત્રિવેદી (એડવોકેટ) પરિવાર સાથે માતાજીની આરતી-પૂજા કરીને મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
આ સમગ્ર મહોત્સવ બ્રહ્મસેનાના પ્રમુખ કિરીટભાઈ મહેતા, માર્ગદર્શક ચિરાગભાઈ આચાર્ય અને  પ્રોજેક્ટ કન્વીનર વિશ્વાસભાઈ દવે તથા ઉપપ્રમુખ પુનીતભાઇ જોષી, મંત્રી મનીષભાઈ દવે તથા સમગ્ર ટીમને આ ઉત્સવને સફળ બનાવવા માટેની જહેમત ઉઠાવી રહ્યા છે.આ રક્તદાન કેમ્પ દ્વારા સાવરકુંડલા બ્રહ્મ સમાજે સમાજસેવાના ભાગરૂપે રતન ટાટાજી જેવા મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો
બિપીન પાંધી