Gujarat

વનવિભાગે કહ્યું-‘ખેડૂતોને કોઈ નુકસાન નથી, માત્ર કોમર્શિયલ બાંધકામ કે અન્ય હેતુને લઈ પરવાનગી લેવી પડશે’

સાસણ ખાતે ઈકો સેન્સેટિવ ઝોન મામલે વન વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસીએફએ જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટિવ ઝોનથી ખેડૂતોને કોઈ નુકસાન નથી. માત્ર કોમર્શિયલ બાંધકામ કે અન્ય હેતુને લઇ વન વિભાગ પાસે પરવાનગી લેવી પડશે.

સરકાર દ્વારા જ્યારથી ઈકો સેન્સેટિવ ઝોનને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારથી જ જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો આ જાહેરનામાનો વિરોધ કરતા જોવા મળી રહ્યો છે.

ગીરરક્ષિત વિસ્તારના આસપાસના કુલ 1.87 લાખ હેક્ટર વિસ્તારને “ઇકો સેન્સેટિવ ઝોન” જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ જિલ્લાના કુલ 196 ગામડા તેમજ 17 નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ ખેડૂતો દ્વારા આ ઈકો સેન્સેટિવ ઝોનનો ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અલગ અલગ તાલુકાના ગામડાઓમાં સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા મીટીંગો યોજી તેમજ ઘણી જગ્યાએ અનોખી રીતે બેનરો લગાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આ ઇકો સેન્સેટિવ ઝોનને નાબૂદ કરવા ખેડૂતો તેમજ તમામ પક્ષના હોદ્દેદારો દ્વારા પણ જુનાગઢ કલેક્ટરને અગાઉ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.

ઇકો સેન્સેટિવ ઝોન મામલે ખેડૂતો સુધી પૂરતી માહિતી મળે અને ઇકો સન્સેટિવ ઝોન મુદ્દે જાગૃતતા આવે તે માટે વન વિભાગ દ્વારા સાસણ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈકો સેન્સેટીવ ઝોનના વિસ્તારમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ 389 ગામોનો સમાવેશ થતો હતો, હવે 196 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.