શહેરમાં ડ્રેનેજ સિસ્ટમ તદન નિષ્ફળ ગઈ છે અને જ્યાં જોઈએ ત્યાં નગરપાલિકા ખાડા ખોદીને મરમ્મત કરતી દેખાય છે, પરંતુ પરિણામ શૂન્ય છે તે સર્વ વિદિત છે. વોર્ડ નંબર સાતમાં રહેતા પૂર્વ નગર સેવકે 15 હજાર મતદારોની વોટ બેંક એવા સંસ્કાર નગરમાં ફેલાતા દુર્ગંધયુક્ત પાણીથી કંટાળીને ગરબી ચોકમાં અને શેરીઓનો વિડિયો ઉતારી ભાજપના વ્હોટ્સ એપ ગ્રૂપ અને નેતાઓમાં વાયરલ કરતા સુધરાઈ તરત હરકતમાં આવી હતી. કારોબારી ચેરમેને બપોર સુધીમાં જેસીબી, ટ્રેક્ટર અને સફાઈ કામદારો લગાવીને ગટરના પાણીનો નિકાલ કર્યો હતો.
પૂર્વ નગરપતિ મંગલભાઈ માહેશ્વરી અને પૂર્વ નગર અધ્યક્ષા ઝવેરબેન મંગલભાઈ માહેશ્વરીના પુત્ર તેમજ બે ટર્મ નગરસેવક રહેલા હિતેશભાઈએ તેમના વિસ્તારમાં સતત ગટર સમસ્યા ઉપરાંત વરસાદના પાણીને બદલે ચોકમાં ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ ગઈ હોવાથી ગંદુ પાણી ભરાય છે અને રહેવાસીઓ ત્રાસી ગયા છે તેવો ઉલ્લેખ કરતા આ બધી વિગત સંસદ સભ્ય, ધારાસભ્ય અને ભાજપના નેતાઓ સુધી પહોંચે તે રીતે વિડીયો અને ઓડિયો મેસેજ વાયરલ કર્યો હતો.

