Gujarat

વૈશ્વિક ધરોહર ધોળાવીરા નજીકનું ફોશિલ્સ પાર્ક તદ્દન નધણિયાતો હોવાથી ભારે મોટું નુકસાન

હડપ્પનનગર ધોળાવીરા નજીક જુરાસિક યુગનાં 25 કરોડ વર્ષ પુરાણા વૃક્ષ ફોશિલ્સમાં મસમોટું ગાબડું પાડીને કોઇ માનવજાત માટે અમૂલ્ય એવા અશ્મિ ચોરી ગયું છે અને વનતંત્ર ધસધસાટ ઉંઘમાં છે, બુધવારે સાંજે વનતંત્રનાં અધિકારીઓએ ‘સ્થળ પર તપાસ માટે ટીમ મોકલી છે’ એટલું જ વર્ઝન આપ્યું હતું.

ગુજરાત પ્રવાસન નિગમે આજથી ચારેક વર્ષ પહેલાં 2021-22માં પૂર્વ કચ્છ વન વિભાગને એકથી સવા કરોડ જેટલી માતબર રકમ ફાળવીને જે ‘ફોશિલ્સ પાર્ક’ ઉભું કરાયું છે, તેમાં વચ્ચો વચ્ચ 37 લાખના કાચના કવરથી રક્ષિત 25 કરોડ વર્ષના અતિત સાથે ઉભેલું વૃક્ષનું અશ્મિ લાંબા સમયથી થોડું થોડું તો ચોરાતું જ હતું પણ વિતેલા દસેક દિવસમાં કોઇએ મસમોટા લાકડાથી રીતસરનો આતંક મચાવી કુદરતનાં એક અદભૂત ભંડારમાં મોટું ભંગાણ પાડી દીધું છે.

પૂર્વ કચ્છ વનતંત્રએ આ ફોશિલ્સ પાર્કનું નિર્માણ કર્યું ત્યારબાદ જાણે સદંતર ભૂલાયું હોય તેમ હવે પગથિયા-ફેન્સિંગ-રેલિંગ-કચરા પેટી-પ્રવેશ દ્વાર બધું જ રફેદફે છે, કોઇ ચોકીદાર અહીં વર્ષોથી છે જ નહીં અને એ તકનો ગેરલાભ ઉઠાવીને આ કૃત્ય કરાયું હોવાનું સ્પષ્ટ દેખાય છે, કારણ કે લાંબું લાકડું-પથ્થર જેવા ઓજારો પણ હજુ ત્યાં જ પડ્યા છે અને વનતંત્ર કહે છે પ્રવેશવું દુસ્કર છે!