આ મિટિંગમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સાવરકુંડલાના વિકાસ માટે સર્વજન હિતાય સર્વજન સુખાય એ સૂત્રને લક્ષમાં રાખીને વિકાસમંત્ર એ જ લક્ષ્ય સંદર્ભે પોતાની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
સાવરકુંડલા ખાતે ગતરોજ બપોરે ચારના સુમારે અહીં મણીભાઈ ચોક ખાતે આવેલ પરજીયા સોની જ્ઞાતિ વાડી ખાતે સાવરકુંડલાનાં સ્વપ્ન સમાન નાવલી નદી પર રીવર ફ્રન્ટ તથા શહેરના વિવિધ વિકાસના કામો માટે લોકસહયોગ અને લોકજાગૃતિ સંદર્ભે સર્વ સમાજના લોકો સાથે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાઇ. આ મિટિંગમાં ઉપસ્થિત લોક સાથે લોકસંવાદ કરી શહેરના વિકાસ અંગે ધારાસભ્ય દ્વારા સૂચનો પણ માંગવામાં આવેલ અને ધારાસભ્યની અપેક્ષાઓથી ઉપસ્થિત તમામને માહિતગાર કરી પોતાના કાર્યકાળ દરમિયાન પોતાના થતી તમામ શક્ય પ્રયાસો અંગે હૈયાધરપત આપી હતી.

આ પ્રસંગે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ વેપારીઓ સામાજિક રાજકીય અગ્રણીઓ તેમજ ધાર્મિક સંતોની ઉપસ્થિતિમાં મહેશભાઈ કસવાળાએ ઉપસ્થિત તમામને તારીખ ૫-૧૧-૨૪ના રોજ માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં સાવરકુંડલા ખાતે રીવર ફ્રન્ટ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે પધારવાના હોય શહેરના નાગરિકોને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાવલી નદી પર બનનારા રીવર ફ્રન્ટ ભૂગર્ભ ગટર યોજના – ૨ અને વિવિધ વિકાસ કાર્યો તથા માર્કેટ યાર્ડ ખાતે શ્રી ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ પણ માનનીય મુખ્ય મંત્રીના વરદહસ્તે કરવામાં આવનાર છે.

આમ સાવરકુંડલા હવે એક વિકાસના નવા મોડ પર સવાર થવા જઈ રહ્યું છે ત્યારે આ સાવરકુંડલા મારું નહીં પરંતુ આપડું કુંડલા સમજીને શહેરના સર્વોત્તમ વિકાસ માટે શહેરીજનોનો સહયોગ જરૂરી છે. આવતાં દિવસો જો સુવર્ણમય બનાવવા હોય તો શહેરના હિત ખાતર થોડી ઘણી બાંધછોડ કરવા માટે પણ તૈયારીઓ દાખવવી પડશે. ખાસકરીને શહેરને સુવિધા સભર ઈ-લાયબ્રેરીનું નિર્માણ થાય તો સાવરકુંડલા તેજસ્વી વિદ્યાર્થીઓને પછી તે અમીર હોય કે ગરીબ સૌને આજના ડીઝીટલ ક્રાંતિના યુગમાં દુનિયામાં થતી અવનવી પ્રગતિ સાથે કદમ મિલાવવાની તક મળે.

જો કે આ મિટિંગમાં આ બાબતે, ડો. દીપકભાઈ શેઠ, કનાલા સાહેબ, પત્રકાર બિપીનભાઈ પાંધી, લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મંત્રી દિવ્યકાંતભાઈ સૂચક,ચંદ્રકાંતભાઈ ભરખડા વગેરે માનનીય ધારાસભ્ય સમક્ષ વિવિધ સૂચનો રજૂ કર્યા હતાં. નોંધનીય વાત એ થઈ કે આજની આ મિટિંગમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશનના મંત્રી દિવ્યકાંતભાઈ સૂચકે વિદ્યાગુરૂ ફાઉન્ડેશન એક સંપૂર્ણ સુવિધા યુક્ત ઈ. લાયબ્રેરીના નિર્માણ અંગે પ્રયત્નશીલ છે એમ જણાવતાં ઉપસ્થિત તમામે આ સકારાત્મક વિચારને હર્ષથી વધાવી લીધેલ. આ સંદર્ભે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ પોઝીટીવ પ્રતિસાદ આપ્યો.
એકંદરે ખૂબ પોઝીટીવ વાતાવરણમાં સાવરકુંડલા શહેર અને નાવલી નદીના પુનરોધ્ધાર માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ આ મિટિંગમાં ખૂબ જ સહજતાથી નિખાલસતાથી પેટ છુટ્ટી વાતો કરતાં જણાવ્યું હતું કે શહેરના સર્વાંગી વિકાસ માટે પોતે સતત પ્રયત્નશીલ છે એમ જણાવી પોતાના આ મિશનમાં લોકસહયોગ જરૂરી છે એમ પણ ઉમેર્યું હતું. માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ તો નાવલી નદીના તટ પર ભાવ અને શ્રદ્ધાપૂર્વક આરતી પણ થાય એવી પોતાની અભિલાષા વ્યકત કરી હતી.
ટૂંક સમયમાં આ ગંદી ગોબરી નાવલી સ્વચ્છ થશે અને નાવલી નદીમાં ખળખળ પાણી વહેતા થાય અને તેના કિનારે સુંદર અદભુત રીવર ફ્રન્ટ બને અને શહેરીજનોની સુખાકારી માટે રીવર ફ્રન્ટ નામનો પ્રોજેક્ટ સાકાર થાય એવી અભિલાષા સહ શહેર તેમજ સાવરકુંડલા તાલુકાના વિકાસ સંદર્ભે સતત પ્રયત્નશીલ રહેતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સાવરકુંડલા શહેરનાં ગૌરવવંતા ઈતિહાસને પણ યાદ કરેલ આ ઉપરાંત શહેરમાં સ્પોર્ટસ સંકુલ નિર્માણાધીન છે તે ઉપરાંત શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસનાં કાર્યોની આછેરી સમજ પણ આપી હતી.
આ તકે તેણે શહેરના પાલાવાળા તથા શાકમાર્કેટ અંગે પણ પોતે તેના હિત અંગે સકારાત્મક રીતે ચિંતન કરે છે એ વાત પણ દોહરાવી હતી. એકંદરે લોકસહયોગ અને લોકસંવાદ સાથે આગળ વધતી માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની સકારાત્મક વિચારધારાને આ મિટિંગ દ્વારા શહેરના વિકાસ માટે એક ઉર્જા સમાન ગણી શકાય.
બિપીન પાંધી