સાવરકુંડલા શહેરમાં ગતરોજનું અરુણું પ્રભાત ખુબ સુખદ સમાચાર લઈને ઊગ્યું. સમગ્ર સાવરકુંડલા પંથકમાં ગૌ સેવા માટે સુપ્રસિદ્ધ એવા શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ)ની ગતરોજ ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી. આ વેળાએ ત્યાં ગૌશાળાની મુલાકાત પણ લીધી અહીં પૂ. ઉષામૈયાના આશીર્વાદ મેળવી આશ્રમમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે ચર્ચા પણ કરી હતી.
આ મુલાકાત વેળાએ અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યોશ્રી કૌશિકભાઈ વેકરીયા, મહેશભાઈ કસવાળા, જે.વી કાકડીયા, જનકભાઇ તળાવિયા હિરાભાઈ સોલંકી સમેત પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ) ના ટ્રસ્ટીઓએ ઉપસ્થિત તમામનો આતિથ્ય સત્કાર કર્યો હતો. આ વેળાએ માનનીય મુખ્યમંત્રીએ શિવ દરબાર આશ્રમ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાની ગૌમાતાને ગોળ ખવરાવીને ગૌસેવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ખાસ કરીને વાત કરીએ આ ગૌશાળાની તો આ ગૌશાળાની એક જ વંશની ૩૦૦ જેટલી ગાયો છે અને આ ગાયનું દૂધ વેચવામાં નથી આવતું પરંતુ પ્રસુતાઓ માટે આ દૂધના ઘીની બનાવેલ સુખડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
તેમજ છાશ વિતરણ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. પ્રસિધ્ધિથી પર રહીને પૂ. ઉષામૈયા અને તેમના સેવકગણ દ્વારા આ માનવતા લક્ષી સેવાકાર્ય કરવામાં આવે છે. આ ઉપરાંત પણ સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પૂ. ઉષામૈયાનું સંપૂર્ણ વ્યક્તિત્વ માયાળું અને જીવદયા પ્રેમી હોય જીવ માત્રના કલ્યાણ અર્થે આ સંસ્થા દ્વારા વિવિધ સેવા કાર્યો પણ થઈ રહ્યાં છે.
બિપીન પાંધી