ભગવાન બાપાના સમૂહ ખેતી સંદર્ભે ખરેખર મનનીય પ્રવચન કરી રુપાલા સાહેબે શ્રોતાજનોને જડમૂળથી જકડી રાખ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.
સાવરકુંડલા ખાતે ગતરોજ માર્કેટ યાર્ડ ખાતે શ્રી ભગવાન બાપાની પૂર્ણ કદની પ્રતિમાના અનાવરણ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા ખરેખર ખીલી ઉઠ્યા.. આમ તો તળપદી કાઠિયાવાડી લહેજતની સોડમ સાથે તેમણે ભગવાન બાપાના સમૂહ ખેતીના વિચારને બિરદાવી સાંપ્રત સમયમાં નાના ખેડૂતોએ પોતાની ખેતીને સાચવવી હશે તો સમૂહ ખેતીના આ વિચારને પોતાના જીવન વ્યવહારમાં અમલી કરવો પડશે.નાનાં પાંચ દસ વિઘા જમીન ધરાવતા ખેડૂતોએ હવે પોતાના શેઢા તોડી સમૂહ ખેતી તરફ વળવું પડશે.
ખેડૂત તરીકેનું તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ આ વિચારને જીવનમાં મૂર્તિમંત સ્વરૂપ આપવું પડશે. આ સંદર્ભે તેમણે ઈઝરાયેલની સમૂહ ખેતીનો સંદર્ભ આપતાં કહ્યું હતું કે હાલના કોર્પોરેટર કલ્ચરમાં ખેતી ક્ષેત્રે ટકી રહેવા માટે પણ હવે સમૂહ ખેતીનો વિચાર અમલીકરણ માટે આગળ કરવો પડશે. બલ્કમાં ખેતી થશે તો તેના સંસાધનો પણ સરળતાથી મળી રહેશે.તેમ માર્કેટમાં પોષણક્ષમ ભાવ પણ મળી શકે ખરા એ વાતમાં તથ્ય તો છે.
જો કે બુનિયાદી વિચાર એ છે કે સમૂહ અને સંગઠનનો વિચાર હવે ખેતી ક્ષેત્રે પણ અપનાવવાનો સમય આવી ચૂક્યો છે. આમ પણ સંગઠનની એક અનોખી તાકાત હોય છે. જો કે સંગઠિત થઈને સમૂહ ખેતી પોતાપણાની ભાવનાથી ખેતી કરવી એ પણ કાર્ય તો મુશ્કેલ છે પરંતુ અશક્ય તો નથી.
બિપીન પાંધી