ભારત દેશમાં ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આજે મહિલાઓના ગર્ભાશયના મુખ્ય કેન્સરના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની 30 વર્ષ થી વધુ ઉંમરની મહિલાઓએ નિદાનમાં ભાગ લીધો હતો.
સામાન્ય વ્યક્તિ કેન્સરને જીવનનું અંતિમ કડવું સત્ય માની બેસે છે. એવું સત્ય કે દર્દીને કેન્સર કરતા તેનો ડર વધુ ખોખલો કરી નાખે છે.
કેન્સરમાં લાખો રૂપિયાની સારવાર કરાવ્યા બાદ પણ ઘણા કિસ્સાઓમાં કેન્સરના દર્દીઓ બચી શકતા નથી. અત્યારે કેન્સર ને લઇ મહિલાઓમાં વધુમાં વધુ જાગૃતતા આવે અને યોગ્ય સમયે આ કેન્સરનું નિદાન થઈ શકે તે માટે સિવિલ હોસ્પિટલમાં નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્સરના ઘણા બધા પ્રકારોમાંનું એક છે ગર્ભાશયના મુખનું કેન્સર જેને સર્વાઇકલ કેન્સર તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં આ સર્વિકલ કેન્સરનું પ્રમાણ એટલું બધુ છે કે, મહિલાઓની કેન્સરની સૂચિમાં બીજા નંબરે સ્થાન પામે છે.
આ કેન્સરનો મૃત્યુ દર, દેશમાં કેન્સર સંબંધિત તમામ મૃત્યુમાં લગભગ 10% હિસ્સો ધરાવે છે અને મૃત્યુ દરમાં ત્રીજા નંબરે આવે છે. મુખ્યત્વે 40 કરતાં વધુ ઉંમરની મહિલાઓમાં આ રોગનું પ્રમાણ વધુ
જોવા મળે છે. શહેર કરતા ગામડાની મહિલાઓ આ રોગનો વધુ ભોગ બને છે અને જાગૃતતાના અભાવના કારણે અનેક મહિલાઓ આ જીવલેણ બીમારીમાં સપડાય છે.
ત્યારે મહિલાઓમાં ગર્ભાશયના મુખ કેન્સર ને લઇ વધુમાં વધુ જાગૃતતા આવે અને યોગ્ય સમયે નિદાન કરી શકાય તે માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે નિદાન કે આયોજન કરવામાં આવ્યું હતું.

જુનાગઢ સિવિલ સુપ્રી ટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સ્ત્રીઓમાં થતા ગર્ભાશયના મુખના કેન્સર ના સ્કીનિંગ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં 30 વર્ષથી વધુની ઉંમરની મહિલાઓએ બહોળી સંખ્યામાં નિદાન કરાવ્યું હતું. પેપ્સ સ્મિયર દ્વારા જે નિદાન કરવામાં આવે છે તે પીડા રહિત હોય છે.
સ્મિયર બનાવ્યા બાદ તેનું પેથોલોજી લેબોરેટરીમાં માઈક્રોસ્કોપ દ્વારા એક્ઝામિનેશન કરી રિપોર્ટ આપવામાં આવે છે.
જુનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયને વિભાગ દ્વારા આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી છે.
