જામનગર શહેર-જિલ્લામાં ફરી એક વખત ડેંગ્યુએ હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે. દિવાળી પર્વ બાદ 6 દિવસના અંતરાળમાં જ 150થી વધુ ડેંગ્યુના હોસ્પિટલમાં દાખલ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઓછું હોય તેમ ચિકન ગુનિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જી.જી. હોસ્પિટલમાં છેલ્લા 3 માસમાં ડેંગ્યુના 900થી વધુ કેસ નોંધાયા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ તેમજ ઓક્ટોબર-નવેમ્બરમાં પણ આકરા ઉનાળાના અહેસાસ વચ્ચે ડેંગ્યુએ ફરી પાછું માથું ઉંચકયું છે. દિવાળી પર્વમાં જ ફક્ત 6 દિવસમાં 150 જેટલા દર્દીઓ ડેંગ્યુના શિકાર બની હોસ્પિટલના બિછાને પહોંચ્યા છે.
આ ઉપરાંત દરરોજ 25થી વધુ દર્દીઓ ડેંગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારની સંખ્યા અલગ આ આંકડો બહાર આવતા જ આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. મચ્છરજન્ય રોગને કાબુમાં કરવા આરોગ્ય તંત્રએ ઘરે ઘરે સર્વે ચાલુ કર્યા છે.
જામનગર ઉપરાંત ધ્રોલ, જોડિયા, ભાણવડ, કલ્યાણપુર, લાલપુર, ખંભાળિયા વગેરેમાં પણ કેસો નોંધાઈ રહ્યા છે. ડેંગ્યુના કહેર વચ્ચે ચિકન ગુનિયાના કેસો અને વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં પણ વધારો આવ્યો છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ચિકન ગુનિયા અને વાયરલ ઈન્ફેક્શનમાં પણ વધારો, તાવ, શરદી, ઉધરસના કેસ ડેંગ્યુના કહેર વચ્ચે જામનગરમાં 40 જેટલા ચિકન ગુનિયાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. એક બાજુ ડેંગ્યુ બીજી બાજુ ચિકન ગુનિયા અને ઘટતું હોય તેમ વાયરલ ઈન્જેકશન જેમાં શરદી, તાવ, ઉધરસના કેસોમાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે.
ડેંગ્યુ તે ચોખા પાણીનો મચ્છરજન્ય રોગ છે: ડો. ચેટરજી હાલ આકરી ગરમી પડી રહી છે. તેમજ મિશ્ર વાતાવરણ છે. ઠંડી પડે એટલે ડેંગ્યુના કેસમાં ઘટાડો જોવામાં આવશે. જામનગરમાં હાલ 20થી 25 લોકો ડેંગ્યુના ભોગ બની દાખલ થાય છે. આ ચોખ્ખા પાણીનું મચ્છરજન્ય રોગ છે. લોકોએ ઘરમાં ભરાતા પાણીનો નિકાલ કરવો જોઈએ. ફ્રીઝ પાછળ ટ્રેમાં પણ પાણી ભરાયેલા હોય છે તેનો પણ નિકાલ કરવો જોઈએ. { ડો. એસ.એસ. ચેટરજી, મેડિસીન વિભાગ, મેડિકલ કોલેજ, જામનગર.