Gujarat

અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચુકાદો આપનારા ન્યાયાધીશ અંબાલાલ પટેલ દૂધધારા ડેરીની મુલાકાતે

અમદાવાદમાં થયેલાં શ્રેણીબધ્ધ બોંબ ધડાકાઓમાં 49 આરોપીઓને સજા અપાવનારા નિવૃત જજે ભરૂચની દૂધધારા ડેરીની મુલાકાત લીધી હતી. ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલ તથા તેમના પરિવારે ડેરીની કામગીરી વિશે માહિતી મેળવી હતી. તેમણે અમદાવાદ બ્લાસ્ટમાં 38 આરોપીઓને ફાંસી અને 11 ને આજીવન કેદનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસિકયુસર અને નિવૃત્ત જજ અંબાલાલ પટેલે પરિવાર સાથે ભરૂચની દૂધધારા ડેરીની મુલાકાત લીધી હતી. ડેરીન ડિરેક્ટર સાગર પટેલ, એમડી નરેન્દ્ર પટેલ, સહિત ડેરીના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

તેમણે ડેેરીના તમામ વિભાગો અને ઉત્પાદન તેમજ વિતરણ વિશે માહિતી મેળવી હતી. ડેરીના પ્રાંગણમાં તેમના તરફથી પારિજાતક વૃક્ષનું રોપણ પણ કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષે તેઓ પુનઃ પધારશે સાથે વૃક્ષનો ઉછેર નિહાળશે તેવી પણ ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, તેમણે 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસની સેશન્સ જજ તરીકે સુનાવણી કરી હતી.

તેઓએ ફેબ્રુઆરી 2022માં આપેલા ચુકાદામાં 38 લોકોને મૃત્યુદંડ અને અન્ય 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં કોઈ કેસમાં 38 આરોપીઓને ફાંસીનો આદેશ આપવામાં આવ્યો હોવાનો ઐતિહાસિક ચુકાદો તેમના નામે રહેલો છે.