Gujarat

ચોમાસા બાદ વીજ થાંભલાઓ પર વેલાનું આવરણ થતાં અકસ્માતનો ખતરો વધ્યો

ચોમાસાની ભલે વિદાય થઇ ચુકી હોય પણ હવે વરસાદના કારણે અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. ચોમાસામાં અનેક થાંભલાઓ પર વેલાઓ ઉગી નીકળ્યાં હોવાથી વાયરો દેખાઇ રહયાં નહિ હોવાથી આવા સંજોગોમાં કરંટ લાગવાનો ખતરો વધી ગયો છે. અંકલેશ્વર અને વાલિયા તાલુકાની વાત કરવામાં આવે તો આ વિસ્તારોમાં જ 100થી વધારે થાંભલાઓ જ ખતરાની ઘંટડી વગાડી રહયાં છે.

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતાં વીજપોલ ચોમાસા બાદ વેલાથી ઢંકાઈ રહ્યા છે. જેના કારણે સ્પાર્ક થતાં કોઈ અનહોની ના બને તે માટે વીજ વિભાગ થકી વીજપોલ પર ચઢેલા વેલા સત્વરે દૂર કરવામાં આવે તેવી ખેડૂતો તેમજ ગ્રામજનો માગ કરી રહ્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આ સમસ્યા જોવા મળી રહી છે.

જોકે વીજ વિભાગ થકી પ્રિ મોન્સૂન ની કામગીરી કરવામાં આવે છે. પરંતુ ચોમાસા બાદ ઉગી નીકળેલા વેલા વીજપોલ પર ચડી જતાં અકસ્માત નો ભય સેવાઇ રહ્યો છે. અંકલેશ્વર અને વાલિયા તાલુકામાં અંદાજે 100 થી વધુ વીજપોલ પર વેલાઓ તેમજ બોરિદરા ગામના રસ્તાની બાજુમાં જ વીજ વાયરો વૃક્ષ પર રહીને નીચે ઝૂલી રહેલા નજરે પડ્યા હતા. આમ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના વીજપોલ પર વેલાઓએ કબજો જમાવ્યો જોવા મળી રહ્યો છે. જેના કારણે અકસ્માત થવાની શક્યતા સેવાઇ રહી છે.