Gujarat

જેતપુર પીઠડીયા ટોલનાકે લોકલ ચાર્જનો દોઢગણો વધારો ઝીંકાતા ભારે રોષ

તાત્કાલિક અસરથી ભાવ વધારો મુલતવી રાખવા.જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસો.તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી.
લેખિત રજૂઆત કરી 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું
જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા દ્રારા જેતપુર તાલુકાના ફોર વ્હીલર ચાલકો પાસેથી વસુલાતા રૂ.૧૦ લોકલ ટોલ ચાર્જમાં દોઢ ગણો વધારો કરી રૂ.૨૫ કરતા વાહન ચાલકોમાં ટોલ પ્લાઝા સામે રોષ ફાટી નીકળ્યો છે. ભાવ વધારા સામે  ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ લેખિતમાં રજૂઆત કરી હતી સાથે 24 કલાકનું અલ્ટીમેટમ પણ આ ચાર્જ ઘટાડવા માટે આપ્યું હતું.
પીઠડીયા ટોલ પ્લાઝા અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ વિવાદોમાં રહેલું છે. ટોલ પ્લાઝા બનતું હતું ત્યારે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ, ડાઈંગ એસોસિએશન તેમજ રાજકીય પક્ષોએ આ ટોલ નાકાનો જ વિરોધ કર્યો હતો. જેના કારણે થોડો સમય ટોલ પ્લાઝાનું કામ બધં રહ્યું હતું ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ તેમજ વિવિધ સંસ્થાઓના હોદેદારો સાથે નેશનલ હાઇવે ઓથોરિટીએ વાટાઘાટો કરી જેતપુર તાલુકાના વાહન ચાલકો પાસેથી લોકલ ટોલ ચાર્જ પાંચ રૂપિયા વસુલવાનું નક્કી થયું હતું અને ૫ રૂપિયા આજીવન ચાર્જ રહેશે તેવી સમજૂતી થઈ હતી પરંતુ આ સમજૂતી મૌખિક હતી. જેથી ટોલ ચાર્જના ૫ રૂપિયામાંથી ૭ રૂપિયા ત્યારબાદ ૧૦ રૂપિયા થયા અને હવે ટોલ પ્લાઝા દ્રારા દોઢ ગણો વધારો ઝીંકીને ૧૦ ના ૨૫ રૂપિયા ટોલ ચાર્જ કરતા સ્થાનિક વાહન ચાલકોમાં બોકાસો બોલી હતો.
જેતપુરથી રાજકોટ વચ્ચે સીકસ રોડ બનાવવાનું કામ ચાલુ હોય ઠેરઠેર રોડ ખોદીને નવો બનાવતા વાહન ચાલકોને સિંગલ પટ્ટીના રોડ પર જ ચાલવું પડે છે. એટલે હાલ ૪ લેન રોડ હયાત નથી ૬ લેન રોડ બન્યો નથી ત્યારે ટોલ ટેક્ષ જ વસુલવો ન જોઇએ.ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ૬૦ કિમીના અંતરમાં બે ટોલ પ્લાઝા હશે તો નાબૂદ કરાશે તેવું નિવેદન આપેલ.ર મામલે જોવા જઈએ તો પીઠડીયાથી ભરૂડી  બે ટોલ પ્લાઝા વચ્ચે તો ૩૬ કિમીનું જ અંતર છે જેથી પીઠડીયા ટોલ પ્લાઝા ગેરકાયદેસર જ કહેવાય એટલે તે રદ થવું જોઈએ તેને બદલે પીઠડીયા ટોલ પ્લાઝાએ ટોલ ચાર્જના ભાવમાં વધારો કર્યો છે.
આ બાબતે આજરોજ ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો પીઠડીયા ટોલ પ્લાઝા ખાતે એજન્સીના સંચાલક મેનેજરને લેખિતમાં અરજી આપી હતી અને જણાવ્યું હતું કે જેતપુર શહેર તથા તાલુકાનાં તમામ વાહનોને સ્થાનિક ગણવા માટે આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન ના આધાર પુરાવાઓ મંગાવવામાં આવે છે. જે વ્યાજબી નથી. આ પ્રશ્ને અમો સદંતર વિરોધ કરીએ છીએ. આ પ્રથા નબુદ કરવા માટે  માંગણી છે.તદ ઉપરાંત  પીઠડીયા ટોલ પ્લાઝાએ જેતપુર શહેર તથા તાલુકાનાં વાહન ધારકોને સ્થાનીક ગણી રૂા. ૧૦ વસુલ કરવામાં આવે  તેમજ સીકસ લેન રોડ પુર્ણ થાય ત્યાં સુધી ટોલ ટેક્ષ મુલતવી રાખવાની  માંગણી કરી હતી લેખિતમાં અરજી આપી અને 24 કલાકમાં આ ચાર્જમાં કરેલ ઘટાડો મુલતવી રાખવામાં આવે તેવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અન્યથા આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની જરૂર જણાવશે તો એ પણ કરવામાં આવશે.
   
આ બાબતે જેતપુર પીઠડીયા ટોલ પ્લાઝા ના મેનેજર જીવરાજ વાણવીએ જણાવ્યું હતું કે આ રજૂઆતના પગલે કંપનીના નિયમો મુજબ ચાર્જ વધારવામાં આવ્યો છે. અને આ લેખિત રજૂઆત તેમને ફોરવર્ડ કરવામાં આવશે. અને આગામી 24 કલાકમાં આ બાબતે જે કંપની દ્વારા નિર્ણય લેવામાં આવશે તે રિપોર્ટ કરીશું.