Gujarat

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર.. હિતેષ સરૈયાની દ્રષ્ટિએ હોસ્પિટલની આરોગ્ય લક્ષી સેવાઓ

આજની મોંઘીદાટ તબીબી સારવારના યુગમાં એક કહેવત છે કે દવાખાનું દુશ્મનને પણ ન બતાવે. આવી પરિસ્થિતિમાં સાવરકુંડલા ખાતે દર્દીનારાયણની આરોગ્ય લક્ષી સેવા એ પણ નિશુલ્ક પ્રદાન કરતી શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની સેવાનો અનેરો અનુભવ  સાવરકુંડલાના સેવાભાવી રઘુવંશી સમાજના અગ્રણી તેમજ વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલાના પ્રમુખ હિતેષ સરૈયાનો કંઈક આવો હતો. થોડા સમય પહેલાં હિતેષભાઈને પથરીનો દુખાવો થતાં પ્રથમ વખત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી અને અહીં તેમનું હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબ દ્વારા પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું. આ ઓપરેશન દરમિયાન હિતેશભાઈને લગભગ ચાર પાંચ દિવસ હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર આપવામાં આવી હતી.
આ સમય દરમિયાન તેમણે આ હોસ્પિટલમાં થયેલ અનુભવ લોકો સાથે શેર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સંદર્ભે એમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ અગાઉ તેમણે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની તબીબી સારવાર અર્થે કદીપણ મુલાકાત લીધી ન હતી પરંતુ પોતાને આ ઓપરેશન દરમિયાન થયેલ અનુભવના અંતે તેમણે આ હોસ્પિટલના તમામ કર્મચારીઓ મેડિકલ પેરા મેડિકલ સફાઈ કર્મચારીથી લઈને સિક્યુરિટી સ્ટાફની કર્મનિષ્ઠાના ખુબજ સુખદ અનુભવો થયેલ. આવડી મોટી સંસ્થાનું સંચાલન કરતાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયાની દેખરેખ અને તમામ સાથે સૌહાર્દપૂર્ણ વહેવારની સમજ ખરેખર દાદ માંગી લે તેવી જોવા મળી.
જે મેનેજમેન્ટ કોને કહેવાય એના આદર્શ પાઠ ભણવા હોય તો ડો. પ્રકાશ કટારીયાની પાસેથી પ્રાપ્ત કરી શકાય. વળી આ સંસ્થાનો સુપેરે નિભાવ માટે સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતા અને મંત્રી દિવ્યકાંતભાઈ સૂચક સમેત તમામ ટ્રસ્ટી ગણની સતત દેખરેખ અને માર્ગદર્શન પણ નોંધનીય છે.
સંસ્થાના વિકાસ માટે તેમના પ્રયાસો પણ ખૂબ ધ્યાનાકર્ષક જોવા મળેલ. અહીં હોસ્પિટલમાં આવતાં તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર સાથે તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ તેમજ દવા અહીંથી સંસ્થાના સંલગ્ન કર્મચારીઓ દ્વારા ખૂબ વિનય વિવેક અને ધીરજપૂર્વક દર્દીઓ સાથેનો આત્મીય વ્યવહાર પણ નોંધનીય છે. અહીં સારવાર અર્થે દાખલ થતાં તમામ દર્દીઓને શુધ્ધ અને સાત્વિક ભોજન ખૂબ જ ભાવ સાથે આપવામાં આવે છે અને સાથે આવનાર દર્દીના સગાંને પણ ભોજન એ પણ સ્વાદિષ્ટ અને સાત્વિક નિશુલ્ક આપવામાં આવે છે.
કોઈ દર્દીના આ હોસ્પિટલમાંથી રીલીવ થાય તે  સમયે તેની પાસે વાહનની વ્યવસ્થા ન હોય તો અથવા વાહન પરવડે એવી સ્થિતિમાં ન હોય તો હોસ્પિટલના પોતાના વાહન દ્વારા પણ તે દર્દીને  ઘર સુધી પહોંચાડવામાં આવે  છે. દર્દીઓની સાથે થોડો ઘણો સામાન હોય તો આ સંસ્થાના કર્મચારીઓ પોતે જાતે ઉપાડી વાહનમાં મૂકી દેતાં જોવા મળેલ. આ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓને મળતી દવાઓ પણ નિશુલ્ક અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી હોય છે. એકંદરે જોવા જઈએ તો જે સારવાર અને માવજત પૈસા દેતા ખાનગી હોસ્પિટલમાં પ્રાપ્ત ન થાય તેના કરતાં અનેકગણી વધુ સારી દર્દી પ્રત્યેની સારવાર અર્થે માવજત અહીં લેવામાં આવે છે. હા, હોસ્પિટલની સાફ સફાઈ પણ દાદ માંગી લે તેવી છે.
કોઈ કોર્પોરેટ હોસ્પિટલથી પણ ચડિયાતી તબીબી સેવા અહીં મળે છે એ હિતેષભાઈ પોતાની સગી આંખે સ્વાનુભવ દ્વારા જાણ્યું. આપ પણ જો આપના સ્વાસ્થ્ય અને તબીબી સારવાર માટે અહીંની હોસ્પિટલની મુલાકાત લઈને સ્વાનુભવ કરી શકો છો. આ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે મેડિસિન, અતિ આધુનિક આઈ સી યુ, આંખ વિભાગ, હાડકાંનો વિભાગ, કેન્સર વિભાગ, બાળકોના વિભાગ ઓપરેશન થિયેટરની આધુનિક સેવાઓ કાર્યરત છે એ પણ નાત જાત અમીર ગરીબના ભેદભાવ વગર નિશુલ્ક પ્રદાન થતી જોવા મળી. અને આ આરોગ્ય લક્ષી સેવાઓ છેલ્લા દસ વર્ષથી દર્દીનારાયણની સેવાર્થે પ્રદાન કરવામાં આવી રહી છે. વળી એ પણ નિશુલ્ક. ખાસનોંધનીય બાબત એ છે કે આ હોસ્પિટલમાં શહેરના અનેક સામાજિક અગ્રણીઓએ પણ આ સંસ્થાની આરોગ્ય સેવાનો લાભ લીધેલ છે.
જો આપને સમય મળે અને સાવરકુંડલાની નાવલી નદીના ખમીરના દર્શન કરવા હોય તો એકાદ વખત લલ્લુભાઈ શેઠનાં સિધ્ધાંતોને લક્ષમાં રાખીને ગાંધી મૂલ્યોનું જતન કરતી વૈષ્ણવજનની ભાવના સાથે આરોગ્ય લક્ષી સેવાઓ કરતાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લેવા જેવી ખરી. અને હા, આ હોસ્પિટલ સંપૂર્ણ દાતાશ્રીના સહયોગથી ચાલતી હોય આપનુ યોગદાન અનુદાન સ્વરૂપે પણ આપી શકો તો એ સંપૂર્ણ લેખે લાગશે. અહીં અનુદાનની પાઈ એ પાઈ નો સદુપયોગ ફક્ત સેવા કાર્યો માટે જ થાય છે.
બિપીન પાંધી