ચૂંટણી આવે એટલે રાજનેતાઓ સક્રિય થાય છે, શંકરસિંહ વાઘેલાએ નવો પક્ષ રચ્યા પછી હવે ભરતસિંહ સોલંકી પણ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પૂરી થતા ફરી ગુજરાતમાં સક્રિય થવા જઇ રહ્યા છે. આમ તો ભરતસિહ સોલંકી દર વર્ષ 26 નવેમ્બરનો તેમનો જન્મ દિવસની ધામધૂમથી ઉજવે છે, પણ આ વખતે અમદાવાદમાં ઉજવવાના છે.
ગયા વર્ષે તેમણે જન્મ દિવસ આણંદમાં ઉજવ્યો હતો. જેના માટે આ વખતે તેમણે અમદાવાદમાં મોટો કાર્યક્રમ સોલામાં રાખ્યો છે. આ કાર્યક્રમ પહેલા પ્રદેશ કાર્યાલય ખાતે ભરતસિંહ સોલંકી એક જન યોધ્ધા અને કમબેક લખેલા પોસ્ટર લાગતા કોંગ્રેસમાં પણ અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકીએ ગુજરાતના તમામ ખૂણે ખૂણેથી નેતાઓને બોલાવ્યા છે.
એક અંદાજ પ્રમાણે 20 હજાર જેટલા માણસો એકઠા કરવાનું આયોજન તેમનું છે. આ માટે જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાતંત્રનું સોલંકી પોતે જાત નિરીક્ષણ કરે છે અને તેઓ બધાને ફોન પણ કરે છે. તેમનું આ એક પ્રકારનું શકિત પ્રદર્શન હોવાનું કોંગ્રેસના સુત્રોનુ કહેવું છે.
પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર ભરતસિંહ સોલંકીના જન્મ દિવસના પોસ્ટર લાગી ગયા છે. આ પોસ્ટરમાં તેમને જનયોધ્ધા તરીકે વર્ણવવામાં આવ્યા છે .એક પોસ્ટરમાં ‘ર્સ્વર્ણિમ યુગનું થશે કમબેક, ગુજરાત કરશે કમબેક’ તેવું લખેલું પોસ્ટર લગાડ્યું હતું. જો કે,આ પોસ્ટર પાછળથી ઉતારી લેવામાં આવ્યું હતુ.

