Gujarat

સ્કોલરશીપની લાલચે પ્રવેશ કરાવી વિદ્યાર્થી દીઠ 1.74 લાખ ફી વસૂલી પણ ન પરીક્ષા લીધી કે ન સર્ટિફિકેટ આપ્યાં

લાલ દરવાજા પાસેની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ મા કામલ ફાઉન્ડેશન દ્વારા ગેરકાયદે નર્સિંગ કોર્સ ચલાવી વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષની 1.74 લાખ ફી લઇ પરીક્ષા ન અપાવી કોર્સ પૂરો કરાવ્યો ન હતો અને સર્ટિફિકેટ કે માર્કશિટ પણ ન આપતા આખરે રાજપીપળાની વિદ્યાર્થિનીએ મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડો. અનિલ કેસર ગોહિલ સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

આ સંસ્થાની સુરત ઉપરાંત રાજપીપળા અને વ્યારા ખાતે પણ બ્રાંચ શરૂ કરી હતી અને અહીંના આદિવાસી ઉપરાંત અન્ય વિદ્યાર્થિનીઓને નર્સિંગના બુકલેટ બતાવી આ કોર્સ માટે સ્કોલરશીપ પણ મળતી હોવાનું કહી 3 વર્ષની ફી પેટે 1.74 લાખ વસૂલવામાં આવતા હતા.

રાજપીપળાની 13 જેટલી વિદ્યાર્થિનીઓ પ્રવેશ લીધા પછી છ મહિના ક્લાસમાં થિયરી ભણાવી હતી અને પછી અલગ – અલગ હોસ્પિટલમાં પ્રેક્ટિકલ કરાવી પરીક્ષા માટે બેંગ્લોર મોકલ્યા હતા. પરંતુ ત્યાં કોઇપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી ન હોવાથી તમામ વિદ્યાર્થીઓ પાછા આવ્યા હતા.

આ પછી સંચાલકો અને ભણાવવા આવતા શિક્ષકોને પરીક્ષા લેવા અને કોર્સ ક્યારે પૂરો થશે તે અંગે વારંવાર પૂછવા છતા કોઈ જવાબ આપતા ન હતા. જેથી વિદ્યાર્થિનીઓએ પ્રવેશ માટે આપેલી ધો. 10 અને 12ની અસલ માર્કશિટ પાછી માગી હતી પણ તે નહીં આપતા આખરે રાજપીપળાની વિદ્યાર્થિનીએ સંચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.

નર્સિંગ એસોસિયેશનના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું કે આ સંસ્થાનું નર્સિંગ કાઉન્સિલના ચોપડે કોઇપણ પ્રકારની રજિસ્ટ્રેશન નથી અને સરકારની પરવાનગી પણ નથી.