Gujarat

યાત્રાધામ અંબાજીમાં કામ ચાલુ હશે તો વૈકલ્પિક વ્યવસ્થાઓ સાથે મહામેળનું આયોજન કરાશે

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું મા જગતજનની જગદંબાના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા આવે છે.

શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો યોજાય છે. જેમાં લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા સંઘો લઈને અને પગપાળા કરીને મા અંબાના ધામે આવે છે.

હાલમાં અંબાજીના વિકાસનો માસ્ટર પ્લાન તૈયાર થઈ ગયો છે. ત્યારે હવે શક્તિપીઠ અંબાજીના વિકાસના કામો શરૂ થઈ રહ્યા છે. ત્યારે લોકો વચ્ચે એવી અફવાઓ પ્રસારિત થઈ રહી છે કે આવનાર સમયમાં ભાદરવી પૂનમના મહા મેળો નહીં યોજાય.

અંબાજી ડેવલોપમેન્ટના કાર્યોને લઈને લોકો વચ્ચે પસાર થતી એવી ભ્રમિત જાણકારી પસાર થતા અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ પોતાની સ્પષ્ટતા મીડિયા સામે જાહેર કરી છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર જણાવ્યું હતું કે, આવનાર સમયમાં અંબાજીના વિકાસ કાર્યો શરૂ થઈ રહ્યા છે. ત્યારે લોકો વચ્ચે ચાલતી ચર્ચાઓને પૂર્ણવિરામ આપતા વહીવટદારે કહ્યું હતું કે જે રીતે વર્ષોથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે.

તે જ રીતે આવનાર સમયમાં પણ ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબાજીમાં આવનાર સમયમાં ચાલનાર કાર્યોને લઈને કોઈપણ જાતની નડતરરૂપ હશે તો ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે અને મહા મેળો જે રીતે વર્ષોથી યોજાય છે એવી રીતે જ યોજાશે.

અમારા જોડે ભાદરવી પૂનમનો મહા મેળો નહીં યોજાય એવી કોઈ પણ જાણકારી સરકાર તરફથી મળેલી નથી.