આ મુદ્દે સાત સાત આવેદનો અને મૌખિક તથા લેખિત રજુઆતો બાદ પણ તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાની વ્યથા ઠાલવી, માત્ર આશ્વાસનો જ મળતા હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો.
સંજીવની નેચર ફાઉન્ડેશન, વંદે માતરમ્ ગૃપ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતના સંગઠનોએ કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે માંગરોળ – કેશોદ, માંગરોળ -જુથળ(કામનાથ) રોડ પર રાજાશાહીના સમયના વડલાના ઘેઘુર વૃક્ષો આવેલા છે. જેમાં સમયાંતરે એકાએક આગ લાગવાના બનાવો બને છે. પર્યાવરણની ધરોહર સમા વૃક્ષોમાં આગ લાગ્યાની જાણ થતાં પ્રકૃતિપ્રેમી યુવાનો દોડી આવે છે અને ફાયર ફાઈટર, પાણીના ટેન્કરોથી આગ બુઝાવવાના શક્ય તમામ પ્રયાસો કરવામાં આવે છે. તેમ છતાં અત્યાર સુધીમાં અનેક વૃક્ષો આગમાં ખાક થઈ ગયા છે. જ્યારે અર્ધ બળી ગયેલા ઝાડ ધીમે ધીમે નાશ પામી રહ્યા છે. રસ્તાની સાઈડો સુધી ખડકી દેવાયેલા ઉકરડા, નાળિયેરી અને ફાઈબરના વેસ્ટ કચરાને લીધે આગ ગતિ પકડે છે અને ગણતરીની મિનિટોમાં વૃક્ષો ભડભડ સળગી ઉઠે છે.
પેશકદમીના આશયથી આયોજનબધ્ધ રીતે વૃક્ષોનો સોથ વાળવામાં આવતો હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. ઉકરડાના ઢગલાથી વાહનચાલકોને પણ મુશ્કેલી પડે છે અને અકસ્માતના બનાવો પણ બને છે. ત્યારે ગંભીર ગણાતી ઘટનાઓને લઈ તંત્ર નહીં જાગે તો એક પછી એક વૃક્ષો સળગતા રહેશે અને ભવિષ્યમાં ગણ્યાં ગાંઠ્યા જ વૃક્ષો જ શેષ રહેશે તેવી ભીતિ વ્યકત કરી, યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ